SL VS AFG: અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે શ્રી લંકાની ટીમની જાહેરાત
કોલંબોઃ શ્રી લંકા ક્રિકેટ ટીમ અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે 17 ફેબ્રુઆરીથી 3 મેચની ટી-20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રી લંકાની ટીમના કેપ્ટન વનિન્દુ હસરંગા હશે. હાલમાં બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં શ્રી લંકા 2-0થી આગળ છે.
દુષ્મંથા ચમીરાને ટીમ સાથે રાખવામાં આવ્યો છે. જોકે, તે હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. આવી સ્થિતિમાં બિનુરા ફર્નાન્ડોને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 મેચ 17 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ રમાશે. બીજી મેચ 19 ફેબ્રુઆરી (સોમવાર) અને સીરિઝની છેલ્લી મેચ 21 ફેબ્રુઆરી (બુધવાર)ના રોજ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થશે. શ્રેણીની ત્રણેય મેચ દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
શ્રી લંકા અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન શ્રીલંકાએ 3 મેચ અને અફઘાનિસ્તાને 2 મેચ જીતી છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બંને વચ્ચે પ્રથમ મેચ વર્ષ 2016માં રમાઈ હતી. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે શ્રી લંકાની ધરતી પર એક પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી.