સ્પોર્ટસ

29 વર્ષે ફરી ભારતીય બોલર્સના હાથે છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ!

1996માં અમદાવાદમાં આવું બન્યું હતું, જાણો કઈ હરીફ ટીમમાં...

એજબૅસ્ટન: ટેસ્ટ મૅચના કોઈ એક દાવમાં ભારત (India) સામે હરીફ ટીમના છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ થયા હોય એવું ફક્ત બીજી વખત અને 29 વર્ષ બાદ ફરી એકવાર બન્યું છે.
અહીં ચાલી રહેલી બીજી ટેસ્ટ મૅચના પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડ (England)ના છ બૅટ્સમેન શૂન્ય (Zero)માં વિકેટ ગુમાવી બેઠા હતા. આ પહેલાં 1996માં અમદાવાદમાં સાઉથ આફ્રિકાના બીજા દાવમાં છ બૅટ્સમેન ખાતું ખોલાવતાં પહેલાં જ આઉટ થઈ ગયા હતા.

ભારતને જીતવાની તક ફરી મળી

શુક્રવારે ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં ભારતના 587 રનના જવાબમાં 407 રન કર્યા હતા. ભારતને 180 રનની સરસાઇ મળી અને ત્રીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર બીજા દાવમાં એક વિકેટે 64 રન હતો અને સરસાઈ ઉમેરતાં ભારતનો સ્કોર 1/244 હતો. સિરીઝની પહેલી ટેસ્ટના પરાજય બાદ ભારતને એક વાર જીતવાનો ફરી મોકો મળ્યો છે.

ભારત સામે કોણ-કોણ શૂન્યમાં આઉટ

ઇંગ્લૅન્ડના જે છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ થયા હતા એમાં બેન ડકેટ (0), ઑલી પૉપ (0), કેપ્ટન બેન સ્ટોક્સ (0), બ્રાયડન કાર્સ (0), જૉશ ટન્ગ (0) અને શોએબ બશીર (0)નો સમાવેશ હતો.

સાઉથ આફ્રિકાના ક્યા છ પ્લેયરના ઝીરો

1996માં અમદાવાદમાં ભારત સામેની ટેસ્ટ (Test)ના બીજા દાવમાં હન્સી ક્રોન્યે (48 રન)ની સાઉથ આફ્રિકન ટીમના આ છ બૅટ્સમેન ખાતું ખોલાવ્યા વગર પૅવિલિયનમાં પાછા ગયા હતા: ઍન્ડ્રયૂ હડસન (0), ડેરિલ કલિનન (0), જૉન્ટી રહોડ્સ (0), પૅટ સિમકૉક્સ (0), ફેની ડિવિલિયર્સ (0) અને પૉલ ઍડમ્સ (0).

શ્રીનાથની છ, કુંબલેની ત્રણ વિકેટ

ભારત 1996માં સાઉથ આફ્રિકા સામેની અમદાવાદની એ ટેસ્ટ 64 રનથી જીતી ગયું હતું. સાઉથ આફ્રિકા સામે ત્યારે જાવાગલ શ્રીનાથે છ વિકેટ, અનિલ કુંબલેએ ત્રણ વિકેટ અને સુનીલ જોશીએ એક વિકેટ લીધી હતી.

સિરાજની છ, આકાશની ચાર વિકેટ

શુક્રવારે ઇંગ્લૅન્ડના પહેલા દાવમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ અને આકાશ દીપે 4 વિકેટ મેળવી હતી.
ઇંગ્લૅન્ડના પ્રથમ દાવમાં બે બૅટ્સમેનના 150-પ્લસ રન (હૅરી બ્રુક 158 અને જૅમી સ્મિથ 184 અણનમ) થવા છતાં તેમ જ બ્રુક-સ્મિથ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 303 રનની વિક્રમજનક ભાગીદારી થવા છતાં ભારતને સિરીઝમાં જીતવાનો ફરી એક વખત મોકો મળ્યો. લીડ્સની પહેલી ટેસ્ટમાં ભારતે જીતવાની તક ગુમાવી હતી અને ઇંગ્લૅન્ડનો પાંચ વિકેટે વિજય થયો હતો.

ભારતે બ્રિટિશ ટીમનું એના જ ઘરઆંગણે નાક કાપ્યું

ઇંગ્લૅન્ડ 148 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમે છે, પરંતુ આ પહેલાં ક્યારેય કોઈ ટેસ્ટના એક દાવમાં એના છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ નહોતા થયા. શુક્રવારે એના જ ગઢ એજબૅસ્ટનમાં ઇંગ્લેન્ડ સાથે ભારતના હાથે આવું પહેલી વાર બન્યું. ઇંગ્લૅન્ડના એક દાવમાં વધુમાં વધુ પાંચ બૅટ્સમેન શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠા હોવાનું બે વાર બન્યું છે અને એવું છેલ્લે 1956માં લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે બન્યું હતું. જોકે ભારતીય ટીમે બ્રિટિશ ટીમની ઑસ્ટ્રેલિયા કરતાં પણ બદતર હાલત કરી છે.

આ પણ વાંચો…જાડેજાએ બીસીસીઆઇનો આ નિયમ તોડ્યો, પણ તેની સામે કદાચ પગલાં નહીં લેવાય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button