મુંબઈઃ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટર સિતાંશુ કોટકને ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્લેયર તરીકેની 20 વર્ષની કારકિર્દી દરમ્યાન 11,000થી પણ વધુ રન કરવા છતાં ક્યારેય ભારત વતી રમવા નહોતું મળ્યું, પણ તેની બૅટિંગ ટૅલન્ટે તેને બહુમૂલ્ય હોદ્દો અપાવ્યો છે. બાવન વર્ષના સિતાંશુની બૅટિંગ-કોચ તરીકે નિયુક્તિ થઈ છે.
લેફ્ટ-હૅન્ડ બૅટર સિતાંશુ હરગોવિંદભાઈ કોટકની ટીમ ઇન્ડિયાના બૅટિંગ-કોચ તરીકેની કરીઅર આગામી બાવીસમી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ સાથે શરૂ થશે.
ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સૂર્યકુમાર યાદવ સંભાળશે. સિતાંશુ આ પહેલાં 2023માં રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ભારતીય ટીમના કાર્યવાહક હેડ-કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી.
આપણ વાંચો: આરસીબીનો ભારતીય ખેલાડી બની ગયો એ જ ટીમનો બૅટિંગ-કોચ અને મેન્ટર
સિતાંશુ 1993થી 2013 દરમ્યાન 130 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો હતો જેમાં તેણે 15 સેન્ચુરી અને પંચાવન હાફ સેન્ચુરીની મદદથી કુલ 8,061 રન બનાવ્યા હતા જેમાં અણનમ 168 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. તેણે લિસ્ટ-એ તરીકે ઓળખાતી ડોમેસ્ટિક વન-ડે મૅચોમાં કુલ 3,083 રન બનાવ્યા હતા. એમાં તેની ત્રણ સેન્ચુરી અને 26 હાફ સેન્ચુરી સામેલ હતી.
સિતાંશુ ઇંગ્લૅન્ડની વૉરવિકશર કાઉન્ટી વતી પણ રમ્યો હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 124 વિકેટ પણ લીધી હતી.
સિતાંશુ ઑક્ટોબર, 2013માં છેલ્લી મૅચ રમ્યો હતો. એ મૅચમાં સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશ્વર પુજારા, શેલ્ડન જૅક્સન, જયદેવ શાહ, અર્પિત વસાવડા, ચિરાગ જાની, કમલેશ મકવાણા તેમ જ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત જાણીતા ખેલાડીઓ સામેલ હતા.
આપણ વાંચો: ઑસ્ટ્રેલિયામાં હેડ-કોચ ગંભીર અને સિનિયર ખેલાડીઓએ ટીમના યુવાનિયાઓને કહ્યું…
સિતાંશુ 2019થી બેન્ગલૂરુમાં બીસીસીઆઇની નૅશનલ ક્રિકેટ ઍકેડેમીમાં ઇન્ડિયા `એ’ ટીમનો બૅટિંગ-કોચ હતો. થોડા વર્ષ તે વીવીએસ લક્ષ્મણનો સહાયક કોચ હતો.
એ સાથે, ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરને વધુ એક સહાયક કોચ મળ્યો છે. હાલમાં મૉર્ની મૉર્કલ બોલિંગ-કોચ છે, જ્યારે અભિષેક નાયર તથા રાયન ટેન ડૉચેટ અસિસ્ટન્ટ કોચ છે. ટી. દિલીપ ફીલ્ડિંગ-કોચ છે.