ડકેટને આક્રમક સૅન્ડ-ઑફ આપી, ખભો ટકરાવ્યો એટલે આ ભારતીય બોલરને થયો દંડ

લંડનઃ ભારતીય ખેલાડીઓ સામાન્ય રીતે મેદાન પર હરીફ ખેલાડીઓ સામે આક્રમક વલણ નથી અપનાવતા, પરંતુ વર્ષોથી સ્લેજિંગ અને માઇન્ડગેમ માટે જાણીતા ઑસ્ટ્રેલિયા પછી ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાના પ્રયાસો ક્યારેક થતા રહેતા હોય છે અને એમાં જો કોઈ ભારતીય પ્લેયર ગેરવર્તન કરી બેસે તો તેને દંડ ફટકારવામાં આવે છે. મોહમ્મદ સિરાજ (Siraj)ના કિસ્સામાં એવું જ બન્યું.
આ પણ વાંચો: IND vs ENG: ‘પહેલી કલાકમાં જ 6 વિકેટ ખેરવીશું’ ઇંગ્લેન્ડના કોચની ભારતીય ટીમને ચેલેન્જ
શનિવારે રમતની છેલ્લી પળોમાં બ્રિટિશ ઓપનર ઝૅક ક્રૉવ્લીએ જસપ્રીત બુમરાહને એક બૉલ ફેંકાતાં પહેલાં રન-અપ પર જ અટકાવી દીધો અને ત્યાર પછી ઈજાનું બહાનું કાઢ્યું એટલે મામલો ગરમાયો હતો. રવિવારે ચોથા દિવસની રમત દરમ્યાન સિરાજે ઓપનર બેન ડકેટ (12 રન)ને બુમરાહના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ સિરાજે આક્રમક મિજાજમાં તેને સૅન્ડ-ઑફ (Sand-Off) આપી હતી અને તેની સાથે ખભો (Shoulder) ટકરાવ્યો હતો.
આ કસૂર બદલ સિરાજની 15 ટકા મૅચ-ફી (match-fee) કાપી લેવામાં આવી છે. તેણે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.5નો ભંગ કર્યો હોવાનું મૅચ-રેફરી રિચી રિચર્ડસને ઠરાવ્યું હતું અને તેને દંડ કર્યો હતો.
ભારતીય ટેસ્ટ ખેલાડીને પ્રત્યેક ટેસ્ટ રમવાની 15 લાખ રૂપિયા મૅચ-ફી મળે છે. સિરાજે લૉર્ડ્સની ટેસ્ટમાં કુલ ચાર વિકેટ લીધી.



