IND vs ENG TEST: સિરાજે ઇંગ્લૅન્ડને કેમ એવું કહ્યું કે ‘અમે ટેસ્ટ મૅચ દોઢ દિવસમાં પૂરી કરી નાખીશું’?
હૈદરાબાદ: આ વળી નવું! દોઢ દિવસમાં ટેસ્ટ પૂરી નાખીશું એવી હરીફ ટીમને ધમકી આપવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો હોય એવું લાગે છે. ઑસ્ટ્રેલિયાની જેમ ઇંગ્લૅન્ડના ક્રિકેટરો એશિયન દેશ સામે અને ખાસ કરીને ભારત સામે મૅચ રમતાં પહેલાં માઇન્ડ-ગેમ રમવા માટે જાણીતા છે. ગુરુવારે હૈદરાબાદમાં શરૂ થતી પ્રથમ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ) પહેલાં થોડા દિવસથી બ્રિટિશરોએ આ તરકીબ અજમાવવાની શરૂ કરી દીધી છે, પણ હવે તો ભારતીયો પણ કંઈ પાછળ પડે એવા નથી.
પેસ બોલર મોહમ્મદ સિરાજે બિટિશ ટીમને નિશાન બનાવતું તીર છોડ્યું છે જેમાં તેણે માત્ર બેન સ્ટૉક્સની ટીમને જ નહીં, પણ તેમના કોચ બ્રેન્ડન મૅક્લમને પણ આડકતરી રીતે સપાટામાં લઈ લીધા છે.
મૅક્લમનું કોચિંગ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ‘બૅઝબૉલ’ એટલે કે આક્રમક સ્ટાઇલની ક્રિકેટ રમવા માટે જાણીતા છે. જોકે સિરાજે ભારતીય છાવણીમાંથી તીર છોડીને તેમને સંકેત આપી દીધો છે કે ભારતીય પિચો પર અને અહીંના હવામાનમાં તમારું બૅઝબૉલ-ફૅઝબૉલ જેવું કંઈ ચાલશે નહીં. સિરાજે જિયો સિનેમાને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘જો ઇંગ્લૅન્ડની ટીમ બૅઝબૉલ સ્ટાઇલથી ટેસ્ટ રમવા જશે તો ભારત સામેની ટેસ્ટ દોઢ દિવસમાં પૂરી થઈ શકે એમ છે.
ભારતીય પિચ પર કંઈ દરેક બૉલમાં રન-મેકિંગ શૉટ ફટકારવો આસાન નથી, કારણકે અહીં બૉલ ખૂબ ટર્ન થતા હોય છે. આ સ્થિતિમાં જો તેઓ બૅઝબૉલની સ્ટાઇલથી રમશે તો અમારા માટે ટેસ્ટ મૅચ દોઢ દિવસમાં પૂરી કરવાનું સરળ થઈ જશે.’ 13 મહિના પહેલાં પાકિસ્તાન સામે તેમણે પાકિસ્તાનની જ પિચો પર 3-0થી ક્લીન સ્વીપ કરીને એવું સાબિત કરવાની કોશિશ કરી હતી કે ‘બૅઝબૉલ’ સ્ટાઇલની અગ્રેસિવ ક્રિકેટ દક્ષિણ એશિયાના દેશોમાં ચાલી જશે, પરંતુ ભારતની પિચો પર એવું સંભવ નથી અને એટલે જ સિરાજે તેમને અગાઉથી ચેતવી દીધા છે કે તેઓ જો ‘બૅઝબૉલ’ના ખોટા ખ્યાલમાં રહેશે તો એવા પટકાશે કે બીજી વાર ભારતમાં એ સ્ટાઇલથી રમવાનું નામ નહીં લે.