સિનરે ગર્લફ્રેન્ડના એક્સ-બોયફ્રેન્ડની ટિપ્પણી પછી ટાઈટલ જીતી દેખાડ્યું
વર્લ્ડ નંબર-વન પ્લેયર 30 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ જીત્યો

ન્યૂ યોર્ક: ઇટલીનો વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી યાનિક સિનર રવિવારે પહેલી જ વખત યુએસ ઓપનનો તાજ જીત્યા બાદ પરિવારના સભ્યો તેમ જ કોચને મળ્યા પછી રશિયન ગર્લફ્રેન્ડ પાસે પહોંચી ગયો હતો અને તેની સાથે ઐતિહાસિક જીત સેલિબ્રેટ કરી હતી.
સિનરની ગર્લફ્રેન્ડ ઍના ખલિનસ્ખાયા મહિલા ટેનિસની 14મા નંબરની ખેલાડી છે અને આ વખતની યુએસ ઓપનમાં તે ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. જોકે ઍના પોતાની હાર પછી બૉયફ્રેન્ડ સિનરને ચિયર-અપ કરવા તેની દરેક મૅચ જોવા આવી હતી. ઍનાના એક્સ બોયફ્રેન્ડ ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગીયોસે તાજેતરમાં સિનર વિશે ટીકાત્મક ટિપ્પણીઓ કરી હતી. જોકે સિનરે યુએસ ઓપનનું ટાઈટલ જીતીને તેને વળતો જવાબ આપી દીધો છે.
સિનરે રવિવારે યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાના ટેલર ફ્રીત્ઝને 6-3, 6-4, 7-5થી હરાવ્યો હતો. સિનર આ વિજેતાપદ સાથે 30 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ જીત્યો છે.
ગયા મહિને સિનરના ડ્રગ્સ ટેસ્ટને લગતા બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જોકે એમાં તપાસ થઈ રહી છે એ દરમિયાન તે યુએસ ઓપનનો નવો વિજેતા બન્યો છે. ઍનાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને જાણીતા ટેનિસ ખેલાડી નિક કિર્ગીયોસે સિનર વિશે કમેન્ટ કરી હતી કે ‘કેવું હાસ્યસ્પદ કહેવાય… તારાથી અકસ્માતે ડ્રગ્સ લેવાયું હશે કે પછી તે જાણી જોઈને લીધું હશે, બે વાર તારો ડ્રગ્સ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાહ! રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પણ તું રમી શક્યો, તારા માટે બધું ફિક્સ થઈ ગયું લાગે છે!’
યાનિક સિનર 1977 પછીનો વિશ્વનો એવો પહેલો ટેનિસ ખેલાડી છે જે પોતાના પહેલા બે ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ એક જ સીઝનમાં (એક જ વર્ષમાં) જીત્યો છે. જાન્યુઆરીમાં તે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો.
1977માં ગિલેર્મો વિયાસ એક જ સીઝનમાં પોતાના પ્રથમ બે ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા.
સિનર રવિવારે વિજેતાપદ મેળવ્યા પછી ટ્રોફી લઈને ગર્લફ્રેન્ડ ઍના સાથે ઘણી તસવીરો પડાવી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
સિનર 23 વર્ષનો અને એની ગર્લફ્રેન્ડ ઍના 25 વર્ષની છે.
Also Read –