Singapore Open Badminton : સિંધુ અને પ્રણોય સિંગાપોર ઓપનના બીજા રાઉન્ડમાં, પણ લક્ષ્ય સેન હાર્યો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

Singapore Open Badminton : સિંધુ અને પ્રણોય સિંગાપોર ઓપનના બીજા રાઉન્ડમાં, પણ લક્ષ્ય સેન હાર્યો

સિંગાપોર: ભારતીય બૅડ્મિન્ટનના ટોચના બે ખેલાડીઓ પી. વી. સિંધુ તેમ જ એચ. એસ. પ્રણોય સિંગાપોર ઓપન સુપર-750 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જીતીને બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા, પરંતુ લક્ષ્ય સેન હારી ગયો હતો.
સિંધુ બે વર્ષ પહેલાં આ સ્પર્ધા જીતી હતી.

તેણે પ્રથમ રાઉન્ડમાં વિશ્ર્વની 21મા નંબરની ડેન્માર્કની લિન કેર્સફેટને 44 મિનિટમાં 21-12, 22-20થી હરાવી દીધી હતી. હવે બીજા રાઉન્ડમાં સિંધુનો મુકાબલો કટ્ટર હરીફ અને રિયો ઑલિમ્પિક ચૅમ્પિયન સ્પેનની કૅરોલિના મારિન સાથે થશે. સિંધુ સામે મારિન 11-5નો જીત-હારનો રેશિયો ધરાવે છે. છેલ્લે ડેન્માર્ક ઓપનમાં તેમની વચ્ચે જે મૅચ રમાઈ હતી એમાં બન્ને વચ્ચે ખૂબ દલીલો થઈ હતી જેને પગલે બન્નેને યલો કાર્ડ આપવામાં આવ્યું હતું.

વિશ્ર્વમાં 10મો નંબર ધરાવતા પ્રણોયે પહેલા રાઉન્ડમાં 45મી રૅન્કવાળા બેલ્જિયમના જુલિયન કૅરાગીને 21-9, 18-21, 21-9થી હરાવી દીધો હતો. પ્રણોય હવે જાપાનના કેન્ટા નિશિમોતો સામે રમશે.

વિશ્ર્વમાં 14મી રૅન્ક ધરાવતો ભારતનો લક્ષ્ય સેન જુલાઈની પૅરિસ ઑલિમ્પિક્સમાં રમવાનો છે. જોકે તે બુધવારે સિંગાપોરમાં પહેલા રાઉન્ડમાં વિશ્ર્વના નંબર-વન ખેલાડી વિક્ટર ઍક્સલસેન સામે 13-21, 21-16, 13-21થી હારી ગયો હતો.
કિદામ્બી શ્રીકાંત પહેલા રાઉન્ડની મૅચમાં અધવચ્ચે જ ઘૂંટણની ઈજાને કારણે મૅચમાંથી નીકળી ગયો હતો.

Back to top button