યશસ્વીએ શૉટ માર્યો અને પછી ગિલ કૅરિબિયન વિકેટકીપર સાથે અથડાયો

નવી દિલ્હીઃ અહીં અરુણ જેટલી સ્ટેડિયમના ઐતિહાસિક ફિરોજશા કોટલા મેદાન પર બીજી ટેસ્ટ (Test)નો પહેલો દિવસ સંપૂર્ણપણે ભારત (2/318)નો હતો, પણ કૅપ્ટન શુભમન ગિલ (Gill)ને એક કડવો અનુભવ થયો હતો જેમાં વેસ્ટ ઇન્ડિઝના નવા વિકેટકીપર ટેવિન ઇમ્લૅક સાથે તે ટકરાતાં તેને (ગિલને) ચક્કર આવી ગયા હતા. સારવાર માટે બન્ને ટીમે પોતપોતાના ફિઝિયોથેરપિસ્ટને મેદાન પર બોલાવવા પડ્યા હતા.
ભારતની ઇનિંગ્સની 85મી ઓવરમાં આ ઘટના બની હતી જેને પગલે થોડી વાર માટે રમત અટકાવી દેવી પડી હતી. આ સિરીઝમાં પહેલી વાર ટીમમાં સમાવવામાં આવેલા પેસ બોલર ઍન્ડરસન ફિલિપના બૉલમાં શુભમન ગિલ સામા છેડેથી જ્યારે સિંગલ લેવા દોડ્યો ત્યારે ટેવિન (Tevin) સાથે તેની ટક્કર થઈ હતી.
આપણ વાંચો: ભારત-વેસ્ટ ઇન્ડિઝની બીજી ટેસ્ટની પિચ કેવી હશે? સ્પિનરને આ દિવસથી ટર્ન મળશે…
યશસ્વીએ ફિલિપના એક બૉલને ફ્લિકમાં મિડ-વિકેટ તરફ મોકલી દીધો હતો અને તેણે અને ગિલે રન લેવાની શરૂઆત કરી હતી. જેડન સીલ્ઝે સ્ટ્રાઇક-એન્ડ તરફ બૉલ થ્રો કરીને ગિલને રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેડનના થ્રોમાં બૉલ સ્ટમ્પ્સ પર નહોતો એટલે વિકેટકીપર ટેવિને બૉલ કલેક્ટ કરવા ડાબી તરફ જવું પડ્યું હતું. ત્યારે દોડી આવેલો ગિલ બીજી જ ઘડીએ ટેવિન સાથે અકસ્માતે અથડાયો હતો.

આ ટક્કરમાં બન્ને ખેલાડી નીચે પડ્યા હતા. બન્ને ટીમે પોતાના ફિઝિયોથેરપિસ્ટને તાબડતોબ મેદાન પર મોકલ્યા હતા. ગિલને આ ટક્કરની માથામાં વધુ ખરાબ અસર થઈ હતી. તેણે હેલ્મેટ તરત કાઢી નાખી હતી. ઇમ્લૅકને હાથમાં વાગ્યું હતું. નસીબજોગે, બન્નેની ઈજા ગંભીર નહોતી અને પ્રાથમિક સારવાર બાદ બન્ને ખેલાડી ઈજા ભૂલીને પાછા રમવા લાગ્યા હતા.