ઓવલમાં જીત્યા પછી શુભમન ગિલે કહ્યું, સિરાજ જેવો બોલર દરેક કેપ્ટનનું સપનું…

ગિલે 2-2ના ડ્રોને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં દર્શાવેલ ક્રિકેટના સ્તરનું ઉત્તમ ઉદાહરણ પણ ગણાવ્યું હતું. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માં 754 રન અને ચાર સદી સાથે ભારત માટે સીરિઝના શ્રેષ્ઠ ખેલાડી રહેલા ગિલે સિરાજની ખૂબ પ્રશંસા કરી હતી.
ગિલે મેચ પછીના ઇનામ વિતરણ સમારોહ દરમિયાન માઈકલ એથર્ટનને કહ્યું હતું કે, ‘સિરાજ કોઈ પણ કેપ્ટનનું સ્વપ્ન છે. તેણે દરેક બોલ અને દરેક સ્પેલમાં પોતાનું સર્વસ્વ આપ્યું. 2-2થી સીરિઝ ડ્રો એ એક યોગ્ય પ્રતિબિંબ છે. તે દર્શાવે છે કે બંને ટીમો કેટલી ઉત્સાહી હતી અને તેઓ કેટલું સારી રીતે રમ્યા હતા.’

ભારતીય કેપ્ટને મેચમાં આઠ વિકેટ લેનારા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની પણ પ્રશંસા કરી હતી. જોકે, તે થોડો મોંઘો સાબિત થયો. ગિલે કહ્યું હતું કે, ‘જ્યારે તમારી પાસે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરો હોય ત્યારે કેપ્ટનશીપ સરળ લાગે છે. મને લાગે છે કે પાંચમા દિવસે અમે જે રીતે રમત રમી તે શાનદાર હતી. અમને વિશ્વાસ હતો, રવિવારે પણ અમને ખબર હતી કે તેઓ દબાણમાં છે.’
ગિલે સ્વીકાર્યું હતું કે તે સંતોષકારક હતું. મારી બેટિંગ સંતોષકારક હતી. મારું લક્ષ્ય આ સીરિઝમાં શ્રેષ્ઠ બેટ્સમેન બનવાનું હતું અને ત્યાં પહોંચવું ખૂબ જ સંતોષકારક છે. ટેકનિકલ અને માનસિક રીતે વસ્તુઓને ઉકેલવાની બાબત હંમેશા હોય છે, તે એકબીજા સાથે જોડાયેલા છે. અમે ક્યારેય હાર માનતા નથી.’

ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકને પણ પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે સોમવારે છેલ્લા દિવસે તેમણે તેમની ટીમ માટે સરળ વિજયની કલ્પના કરી હતી, પરંતુ સિરાજની શાનદાર બોલિંગે ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું.
બ્રુકે કહ્યું હતું કે, ‘મને લાગ્યું હતું કે અમે સરળતાથી જીતીશું, પરંતુ સિરાજે જે રીતે બોલિંગ કરી તે આ સફળતાને પાત્ર હતો. તેણે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તેને શાનદાર રીતે સીરિઝ પૂર્ણ કરી હતી.’
બ્રુકે કહ્યું હતું કે, ‘મને લાગ્યું કે વિકેટ પર હેવી રોલરનો ઉપયોગ થયા પછી પીચ સપાટ હશે, પરંતુ વાદળોને કારણે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. જ્યારે હું અને જો રૂટ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અમારી ઈનિંગ સારી ચાલી રહી હતી, પરંતુ આ શ્રેણીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને અંત પણ એ જ રહ્યો. હું શક્ય તેટલી વહેલી તકે મેચ પૂરી કરવા માંગતો હતો.
આ પણ વાંચો…ઓવલ ટેસ્ટમાં કરેલી કઈ ભૂલ માટે સિરાજ થઈ રહ્યો છે ટ્રોલ ?