શુભમન ગિલ ત્રેવડી સદી ચૂક્યો, પણ ત્રણ મોટા રેકૉર્ડ કર્યા…

એજબૅસ્ટન: ભારતના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ગુરુવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે આઉટ થતાં પહેલાં વધુ 31 રન કર્યા હોત તો ભારતના ટ્રિપલ સેન્ચુરિયનોમાં તેનું નામ વીરેન્દર સેહવાગ અને કરુણ નાયર સાથે જોડાઈ ગયું હોત. જોકે શુભમન ગિલે (Shubhman Gill) ભારતને ગૌરવ અપાવતા ત્રણ મોટા વિક્રમ પોતાના નામે કર્યા છે.
ભારત (India)નો પ્રથમ દાવ ગુરુવારે 587 રન પર પૂરો થયો હતો. રમતના અંત સુધીમાં ઇંગ્લૅન્ડે (England) ત્રણ વિકેટે 77 રન કર્યા હતા.
Shubhman gill pic.twitter.com/tnOhynMprx
— Prayag (@theprayagtiwari) July 3, 2025
શુભમન ગિલ ગુરુવારે 269 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. તેણે 269 રન 387 બૉલમાં ત્રણ સિક્સર અને 30 ફોરની મદદથી બનાવ્યા હતા. સાતમી વિકેટ માટે તેણે વૉશિંગ્ટન સુંદર (103 બૉલમાં 42 રન) સાથે 144 રનની ભાગીદારી કરી હતી.
ભારતના 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં થઈ ચૂકેલા કેપ્ટનોના વ્યક્તિગત સ્કોર્સમાં અત્યાર સુધી વિરાટ કોહલીના 254 રન (2019માં પુણેમાં સાઉથ આફ્રિકા સામે) હાઈએસ્ટ હતા જે રેકોર્ડ હવે શુભમન ગિલે તોડી નાખ્યો છે.
એશિયાની બહાર રમી ચૂકેલા ભારતીય ટેસ્ટ ક્રિકેટરોમાં પણ શુભમન ગિલના 269 રન હવે હાઈએસ્ટ છે. એમાં તેણે સચિન તેંડુલકર (2004માં સિડનીમાં 241 રન)નો વિક્રમ તોડ્યો છે.
એજબૅસ્ટન (Edgbaston) ઇંગ્લૅન્ડના ક્રિકેટરોનો ગઢ છે અને એમાં અત્યાર સુધી ફક્ત બે વિદેશી ખેલાડીઓએ ડબલ સેન્ચ્યુરી કરી હતી. 1971માં પાકિસ્તાનના ઝહીર અબ્બાસે 274 રન કર્યા હતા અને 2003માં સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથે 277 રન બનાવ્યા હતા. આ સ્થળે હવે શુભમન ગિલ (269 રન) ત્રીજો વિદેશી ખેલાડી છે.
આપણ વાંચો: ભારતના 587, ઇંગ્લૅન્ડના ત્રણ વિકેટે 77
ટેસ્ટ અને વન-ડે બંને ફૉર્મેટમાં ડબલ સેન્ચુરી ફટકારી ચૂકેલા વિશ્વના ચાર લેજન્ડ્સમાં હવે પાંચમા ખેલાડી તરીકે શુભમન ગિલ જોડાયો છે. આ પહેલાના ચાર લેજન્ડ્સમાં સચિન તેંડુલકર, વીરેન્દર સેહવાગ, રોહિત શર્મા તેમ જ ક્રિસ ગેઈલનો સમાવેશ છે.
હરીફ ટીમે બૅટિંગ આપ્યા પછી જે બૅટ્સમેનોએ ઇનિંગ્સમાં સૌથી વધુ રન કર્યા છે એમાં ગિલ (269 રન) પ્રથમ ભારતીય અને વિશ્વનો પાંચમા નંબરનો ખેલાડી છે. તેની આગળના ચાર પ્લેયરમાં ઑસ્ટ્રેલિયાનો મેથ્યૂ હેડન (380 રન), ઇંગ્લૅન્ડનો ગ્રેહામ ગૂચ (333 રન), સાઉથ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ (278 અણનમ) અને સાઉથ આફ્રિકાનો ડેરિલ કલિનન (275 અણનમ) સામેલ છે.