શુભમન ગિલ નાદાન કૅપ્ટન, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ

લીડ્સઃ મંગળવારે શુભમન ગિલ (SHUBHMAN GILL)ના સુકાનમાં ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમ આખી ટેસ્ટમાં કુલ મળીને 835 રન કરવા છતાં અને ખુદ ગિલ સહિતની પાંચ સેન્ચુરી ફટકારવામાં આવી એમ છતાં ભારતે પરાજય જોવો પડ્યો એ માટે સિલસિલાબંધ કૅચ છૂટવા સહિતની ખરાબ ફીલ્ડિંગ પણ જવાબદાર હતી, પરંતુ ગિલની કૅપ્ટન્સી (CAPTAINCY)ની પણ ટીકા થઈ રહી છે. હજી તો સુકાની તરીકે તેની આ પહેલી જ સિરીઝ છે અને એની પ્રથમ ટેસ્ટ રમાઈ છે ત્યાં તેના નેતૃત્વની ક્ષમતા વિશે સવાલ ઊઠી રહ્યા છે. ખાસ કરીને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)ની સુવિધાનો બરાબર ઉપયોગ કરવામાં નિષ્ફળ જવા બદલ ગિલને વખોડવામાં આવી રહ્યો છે.
મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પડકારવા ડીઆરએસનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મોટા ભાગની ટીમો આ સગવડનો સરખી રીતે ઉપયોગ કરી શકી છે. ટેસ્ટ ક્રિકેટમાં ડીઆરએસનું મહત્ત્વ ઘણું વધી જતું હોય છે. ગિલ લીડ્સની પ્રથમ ટેસ્ટમાં ડીઆરએસનો બરાબર ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયો એવી ચર્ચા વચ્ચે ભારતીય ક્રિકેટપ્રેમીઓ સિરીઝના ભાવિ બાબતમાં ચિંતિત છે.
ઇંગ્લૅન્ડના પ્રથમ દાવમાં ત્રીજી ઓવરના ચોથા બૉલ પર બેન ડકેટની વિરુદ્ધ ડીઆરએસ લેવામાં આવી હતી જેમાં ભારતીય ટીમ અસફળ રહી હતી. 15મી ઓવરના અંતિમ બૉલ પર ઑલી પૉપ અને એ બાદ 80મી ઓવરના બીજા બૉલ પર વિકેટકીપર જૅમી સ્મિથની વિરુદ્ધ ડીઆરએસ લેવામાં આવી હતી, પણ એમાં પણ ફેંસલો ભારતની વિરુદ્ધમાં રહ્યો હતો.
બીજા દાવમાં ઇંગ્લૅન્ડની ટીમ 371 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી ત્યારે ભારતીય ટીમે 16મી ઓવરના ચોથા બૉલ પર ડીઆરએસ લીધું હતું. એ ડીઆરએસની અપીલ ઝૅક ક્રૉવ્લીની વિરુદ્ધમાં હતી, પણ એમાં પણ ભારતને નિષ્ફળતા મળી હતી. બીજી ડીઆરએસ ભારતે 56મી ઓવરના બીજા બૉલ પર લીધી હતી અને એ અપીલ બેન સ્ટૉક્સની વિરુદ્ધમાં હતી અને એમાં પણ થર્ડ અમ્પાયર (બાંગ્લાદેશના શર્ફુદોઉલા)એ ભારતીય અપીલની વિરુદ્ધમાં ફેંસલો આપ્યો હતો. અંતિમ ડીઆરએસ ટીમ ઇન્ડિયાએ 62મી ઓવરના બીજા બૉલ પર લીધી હતી જે એલબીડબ્લ્યૂની અપીલ વિશેની હતી અને એમાં પણ થર્ડ અમ્પાયરના ફેંસલાને આધારે ભારતની અપીલ ખોટી સાબિત થઈ હતી.
આપણ વાંચો બોલિંગને આક્રમક બનાવવા કુલદીપ ટીમમાં હોવો જ જોઈએઃ માંજરેકર
એક તરફ ભારતે બધી ડીઆરએસ અપીલ ગુમાવી દીધી હતી ત્યારે ઇંગ્લૅન્ડની ટીમે 371 રનના લક્ષ્યાંક સામે 100થી વધુ રન બનાવવાના બાકી હતા ત્યારે તેમની બધી ડીઆરએસ અકબંધ હતી.
ભારતીય ટીમે ટેસ્ટમાં કુલ 800-પ્લસ રન કરવા છતાં પરાજય જોવો પડ્યો એવું પહેલી વાર બન્યું છે અને એવું શુભમન ગિલની કૅપ્ટન તરીકેની પહેલી જ ટેસ્ટમાં બન્યું. ભારતે આ મૅચમાં કુલ 835 રન કર્યા હતા. અગાઉનો રેકૉર્ડ એવો હતો જેમાં (2014માં) ઍડલેઇડ ટેસ્ટમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામે બન્ને દાવ મળીને કુલ 759 રન કર્યા હતા છતાં ભારતે પરાજય જોવો પડ્યો હતો.