સ્પોર્ટસ

શુભમન ગિલને ઘણા વર્લ્ડ રેકૉર્ડ અને કેટલાક મોટા વિક્રમો તોડવાની તક

લંડન: ઇંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં બંને ટીમના તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ 585 રન કરનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)ને આજે લૉર્ડ્સમાં શરૂ થતી ત્રીજી ટેસ્ટ મૅચ (બપોરે 3.30 વાગ્યાથી લાઈવ)થી માંડીને બાકીની સિરીઝમાં કેટલાક મોટા રેકૉર્ડ (records) તોડવાની તક છે. આમાંથી કેટલાક એવા વર્લ્ડ રેકૉર્ડ પણ છે જે ગિલ તોડી શકે. શુભમન ગિલે 585માંથી 430 રન બીજી ટેસ્ટમાં કર્યા હતા. હજી ત્રણ ટેસ્ટ રમાવાની બાકી છે.

ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી ડૉન બ્રેડમૅને (Don Bradman) 1936માં ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે કુલ 810 રન કર્યા હતા. ગિલ તેમના એ વિશ્વવિક્રમથી 225 રન દૂર છે. યોગાનુયોગ, બ્રેડમૅનની પણ કેપ્ટન તરીકે એ પહેલી જ સિરીઝ હતી.

ખેલાડી તરીકે એક સિરીઝમાં સૌથી વધુ 974 રન કરવાનો વિશ્વવિક્રમ પણ બ્રેડમૅનના નામે છે. તેમણે 1930માં ઇંગ્લૅન્ડ સામે ઍશિઝ શ્રેણીમાં નોંધાવેલો એ વિશ્વવિક્રમ તોડવા માટે ગિલને 390 રનની જરૂર છે. દિલીપ વેન્ગસરકરે બે દિવસ પહેલા એક પ્રવચનમાં કહ્યું કે ‘ શુભમન ગિલ બ્રેડમૅનનો આ રેકૉર્ડ તોડી શકે એમ છે. ગિલ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે એટલે તેણે આ મોકો ન છોડવો જોઈએ.’

ડૉન બ્રેડમૅને ટેસ્ટ કેપ્ટન તરીકે 1000 રન 11 ટેસ્ટ ઈનિંગ્સમાં પૂરા કર્યા હતા. ગિલને આ વિશ્વવિક્રમ તોડવા માટે બાકીની 6 ઇનિંગ્સમાં 415 રનની જરૂર છે.

એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો વિશ્વવિક્રમ વેસ્ટ ઇન્ડિઝના ક્લાઈડ વૉલ્કોટના નામે છે. તેમણે 1955માં ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પાંચ સદી ફટકારી હતી. ગિલે વર્તમાન શ્રેણીમાં ત્રણ સેન્ચુરી ફટકારી છે.

બ્રેડમૅનની 1947માં ભારત સામેની સિરીઝમાં કેપ્ટન તરીકે ચાર સેન્ચુરી હતી. ગિલ તેમની એ વિક્રમજનક સિદ્ધિ પણ પાર કરી શકે. ભારતીયોમાં એ વિક્રમ સુનીલ ગાવસકરના નામે છે. તેમણે 1971માં પ્લેયર તરીકે અને 1978-’79માં કેપ્ટન તરીકે સિરીઝમાં ચાર સેન્ચુરી ફટકારી હતી.

ભારતીય ખેલાડીઓમાં એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ સુનીલ ગાવસકરના નામે છે. તેમણે 1978માં (વેસ્ટ ઇન્ડિઝ સામે) 732 રન કર્યા હતા. એ વિક્રમ તોડવા માટે ગિલને માત્ર 148 રનની જરૂર છે.

ગિલ હવે બીજા 18 રન કરશે એટલે તે ઇંગ્લૅન્ડની ધરતી પર એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 602 રન કરવાનો રાહુલ દ્રવિડનો ભારતીય વિક્રમ તોડી નાખશે.

ઇંગ્લૅન્ડ સામેની એક ટેસ્ટ સિરીઝમાં ભારતીય કેપ્ટન તરીકે 655 રન કરવાનો રેકૉર્ડ વિરાટ કોહલીના નામે છે. આ વિક્રમ તોડવા માટે ગિલને 91 રનની જરૂર છે.

આ પણ વાંચો…વિરાટે નિવૃત્તિ વિશે મૌન તોડ્યું, ` દર ચાર દિવસે દાઢીને કલર કરવો પડે તો સમજી જવાનું કે…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button