અમ્પાયર પર ભડકી ગયો શુભમન ગિલ, સિરાજ પણ સમસમી ગયો!

લંડનઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળ રમાતી પહેલી બે ટેસ્ટમાં ખામીયુક્ત ડ્યૂક્સ બૉલ (DUKES BALL)ને લગતો વિવાદ (CONTROVERSY) ખાસ કંઈ નહોતો ચગ્યો, પણ લૉર્ડસ (LORD’S)ની ત્રીજી ટેસ્ટમાં આ બૉલની બબાલ ચમરસીમાએ પહોંચી ગઈ છે. શુક્રવારે બીજા દિવસની રમત દરમ્યાન કૅપ્ટન શુભમન ગિલ અને તેના સાથી ખેલાડીઓ ડ્યૂક્સ બૉલના આકારથી નાખુશ હતા એટલે તેમણે અમ્પાયરનો સંપર્ક કર્યો હતો અને બૉલ વિશે ફરિયાદ રજૂ કરી હતી. જોકે આ બૉલ માટેના ગેજ (માપક) મુજબ પણ બૉલ ખામીયુક્ત હોવાનું જણાવા છતાં નવા બૉલ વિશે અમ્પાયર સાથે અસહમતી થતાં ગિલ ભડકી ગયો હતો. બોલર મોહમ્મદ સિરાજ પણ સમસમી ગયો હતો.
ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં 91મી ઓવરમાં આ ઘટના બની હતી. ભારતીયો 80મી ઓવર પછી નવો બૉલ લઈ ચૂક્યા હતા, પરંતુ એ નવો બૉલ ફક્ત 10 ઓવર જૂનો થયો હોવા છતાં એ યોગ્ય શેપમાં ન હોવાને કારણે ગિલ ઍન્ડ કંપનીએ અમ્પાયરનો સંપર્ક કર્યો હતો. તેઓ અમ્પાયરને મળ્યા ત્યારે અમ્પાયરે રિંગ ટેસ્ટ’ માટેના ગેજનો સહારો લીધો હતો. એ ગેજની બે રિંગમાંથી પહેલી રિંગમાંથી બૉલ પસાર થઈ જાય તો બૉલ યોગ્ય શેપમાં છે એવું મનાય છે, પરંતુ અમ્પાયરના ગેજની પ્રથમ રિંગમાંથી બૉલ પસાર નહોતો થયો. એનો અર્થ એ થયો કે એ બૉલ ખરાબ હતો, યોગ્ય આકારમાં નહોતો. એ પછી નવો બૉલ મગાવાયો હતો, પણ શુભમન ગિલ એ નવા બૉલના આકાર વિશે પણ સહમત નહોતો. એ મુદ્દે ગુસ્સામાં અમ્પાયર સાથે તેની ચર્ચા થઈ હતી, કારણકે બૉલની આ બબાલને લીધે રમત પરની ભારતીય ખેલાડીઓની એકાગ્રતાને વિપરીત અસર થઈ રહી હતી. ગિલની સાથે મોહમ્મદ સિરાજ પણ હતો અને સિરાજે ગુસ્સામાં જે કંઈ કહ્યું એ સ્ટમ્પ-માઇક મારફત સાંભળી શકાતું હતું. સિરાજ અમ્પાયરને કહી રહ્યો હતો, આ બૉલ માત્ર 10 ઓવર જૂનો થયો હોય એવું લાગે છે તમને? એનો આકાર તો જુઓ કેટલો બધો બદલાઈ ગયો છે.’
આપણ વાંચો: જૉ રૂટની 37મી સેન્ચુરી, જૅમી સ્મિથ 84 રનની ભાગીદારી પછી આઉટ
આ ટેસ્ટના અમ્પાયરોમાં બાંગ્લાદેશના શરફદૌલા અને પીઢ અમ્પાયર પૉલ રાયફલનો સમાવેશ છે. વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બૅટ્સમૅન રિચી રિચર્ડસન મૅચ-રેફરી છે.
ભારતીય ખેલાડીઓના એકધારા વિરોધને પગલે અમ્પાયરે 99મી ઓવરમાં ફરી વાર બૉલ બદલવાનો નિર્ણય લીધો હતો.