સ્પોર્ટસ

શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ

ઇંગ્લૅન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારનારો પ્રથમ એશિયન કૅપ્ટન બન્યો, ગાવસકર-અઝહરનો વિક્રમ પણ તોડ્યો

બર્મિંગમઃ શુભમન ગિલ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ કૅપ્ટન તરીકે ડબલ સેન્ચુરી ફટકારનારો ભારતનો તેમ જ એશિયાનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે ગુરુવારે એજબૅસ્ટન (Edgbaston)માં બીજી ટેસ્ટના બીજા દિવસે કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી (double century) નોંધાવી હતી અને એ સાથે બ્રિટિશરોની ધરતી પર એશિયા (Asia)ના શહેનશાહ બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ગિલ 269 રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. છેવટે ભારતનો પહેલો દાવ 587 રનના સ્કોર પર પૂરો થયો હતો.

ગિલે પેસ બોલર જૉશ ટન્ગના બૉલને ડીપ ફાઇન લેગ તરફ મોકલીને સિંગલ રન લીધો એ સાથે ઐતિહાસિક ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. છેવટે ભારતના 574 રનના સ્કોર પર ટન્ગના બૉલમાં જ ગિલ સ્ક્વેર લેગ પર ઑલી પૉપને સીધો કૅચ આપી બેઠો હતો. ગિલે 387 બૉલમાં ત્રણ સિક્સર અને 30 ફોરની મદદથી 269 રન કર્યા હતા.

આ પણ વાંચો: શુભમન ગિલને સેન્ચુરીથી વંચિત રાખવા બ્રિટિશ બોલરની નાપાક હરકત

આ પહેલાં ઇંગ્લૅન્ડમાં એશિયન કૅપ્ટન તરીકે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનના 193 રન હાઇએસ્ટ હતા જે તેણે 2011ની સાલમાં લૉર્ડ્સમાં નોંધાવ્યા હતા.

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટનોમાં ઇંગ્લૅન્ડની ધરતી પર આ પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીન (Azharuddin)ના સુકાની તરીકે 179 રન હાઇએસ્ટ સ્કોર હતો જે તેણે 1990માં મૅન્ચેસ્ટરમાં નોંધાવ્યો હતો.

ગિલે ઇંગ્લૅન્ડની ધરતી પર એક દાવમાં સૌથી વધુ ટેસ્ટ-રન કરવાનો સુનીલ ગાવસકર (Gavaskar)નો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ પણ તોડ્યો હતો. ગાવસકરે 1979માં ઓવલની ઇનિંગ્સમાં 221 રન કર્યા હતા જે અત્યાર સુધી ભારતીયોમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો. જોકે હવે ગિલના 269 રન સૌથી વધુ છે.

આ પણ વાંચો: કેપ્ટન ગિલની સતત બીજી ટેસ્ટમાં સદી: આ ત્રણ લેજન્ડની હરોળમાં થયો…

ગિલે કૅપ્ટન તરીકે ઇંગ્લૅન્ડમાં મોટી સિદ્ધિ નોંધાવી છે, પરંતુ વિરાટ કોહલીનો ભારતીય વિક્રમ અભૂતપૂર્વ છે. ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા વિરાટે ભારત વતી કૅપ્ટન તરીકે સાત ડબલ સેન્ચુરી ફટકારી હતી.

શુભમન ગિલના 269 રન SENA તરીકે ઓળખાતા ચાર મોટા દેશ (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા)માં ભારતીય ખેલાડીઓમાં હવે હાઇએસ્ટ છે. તેણે મોહમ્મદ અઝહરુદ્દીનનો 192 રનનો વિક્રમ તોડી નાખ્યો છે. અઝહરે એ 192 રન 1990ની સાલમાં ન્યૂ ઝીલૅન્ડમાં ઑકલૅન્ડ ટેસ્ટના એક દાવમાં કર્યા હતા.

ઇંગ્લૅન્ડમાં કયા ભારતીયોનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર:

શુભમન ગિલઃ 269 રન
સુનીલ ગાવસકરઃ 221 રન
રાહુલ દ્રવિડઃ 217 રન
સચિન તેન્ડુલકરઃ 193 રન
રવિ શાસ્ત્રીઃ 187 રન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button