અમદાવાદઃ ડેન્ગ્યુ તાવમાંથી સાજો થઈ રહેલો ભારતનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ બુધવારે અમદાવાદ પહોંચ્યો હતો. તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પહેલા જ સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યા હતા.
જોકે ગિલની હાલત સુધારા પર છે અને હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે, પરંતુ પ્રશંસકો માટે તે ચિંતાનો વિષય છે કે શનિવારે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં તેમનું રમવું શંકાસ્પદ લાગે છે. દેશમાં શુભમન ગિલના લાખો કરોડો ફેન્સ ઇચ્છી રહ્યા છે કે દેશનો આ સુપરસ્ટાર બેટ્સમેન પાકિસ્તાન સામેની મેચમાં વાપસી કરે અને તેઓ ઇશ્વરને પ્રાર્થના પણ કરી રહ્યા છે.
આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોએ જણાવ્યું હતું કે, “ગિલની તબિયત સારી છે.” જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે ગુરુવારે મોટેરામાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે કે નહીં. ગિલ ખરાબ તબિયતના કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. ગયા અઠવાડિયે તેમના પ્લેટલેટ્સ ઘટીને 70,000 થઈ ગયા હતા અને તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
જોકે, 24 કલાક બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારી ફિટનેસના કારણે ગિલ જલ્દી સાજો થવાની સંભાવના છે, પરંતુ ડેન્ગ્યુ તાવના કારણે શરીર ખૂબ જ નબળું પડી ગયું છે અને ક્રિકેટ મેચમાં 100 ઓવર સુધી એક્ટિવ રહેવું ગિલ માટે હાલના તબક્કે મુશ્કેલ જણાય છે. તેમને આરામની સખત જરૂરત છે અને આવી સ્થિતિમાં તેમને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં વાપસી કરવાની તક મળી શકે છે.
એઈમ્સ દિલ્હીમાં તૈનાત ડૉક્ટર અમરિન્દર સિંહ માલ્હીએ કહ્યું હતું કે અહેવાલો અનુસાર, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જો ગિલને સાંધાના દુખાવામાં રાહત મળે તો તે જલ્દી સાજા થઈ શકે છે. ડેન્ગ્યુ થયા પછી, તેઓએ તેમના આહાર પર ખૂબ ધ્યાન આપવું પડશે અને આરામ પણ લેવો પડશે. સપ્લીમેન્ટ્સ સિવાય તેમણે વિટામિન C, વિટામિન A અને વિટામિન K યુક્ત ખોરાક લેવો જોઈએ. ફળોમાં પપૈયા, કીવી અને દાડમનું સેવન કરવું સારું છે. સાથે જ તેમણે શુભમનને વધુ લિક્વિડ ડાયટ લેવાનું પણ સૂચન કર્યું હતું.
ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અતુલ ગોગિયાએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુનો ઇલાજ ઘણીવાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે તેને સાજા થવામાં 10 થી 15 દિવસ લાગે છે. શુભમન ગિલને ડેન્ગ્યુ હોવાની માહિતી 6 ઓક્ટોબરે આવી હતી.
ડૉક્ટરોએ કહ્યું છે કે તેને પણ સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે 10 થી 15 દિવસ લાગશે. આવી સ્થિતિમાં તે 14 ઓક્ટોબરે પાકિસ્તાન અને 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાનારી વર્લ્ડ કપ મેચ ચૂકી શકે છે. હા, તે સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ 22 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રમી શકે છે. બીસીસીઆઈએ હાલમાં જ કહ્યું હતું કે ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલની તબિયત પહેલા કરતા સારી છે. પરંતુ તેના રમવા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું.
Taboola Feed