શુભમન ગિલ ટેસ્ટમાં ભારતનો 37મો અને ચોથો યંગેસ્ટ કૅપ્ટન
ભારતના પહેલા 36 સુકાની કોણ હતા, જાણો છો?...આ રહ્યું લિસ્ટ

મુંબઈઃ ભારતે 1932માં ટેસ્ટ-ક્રિકેટમાં આગમન કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટરોએ 36 ટેસ્ટ કૅપ્ટન (TEST CAPTAIN) જોયા છે અને હવે ઇંગ્લૅન્ડની આવતા મહિનાની ટૂર માટે નીમવામાં આવેલો શુભમન ગિલ (SHUBHMAN GILL) દેશનો 37મો ટેસ્ટ કૅપ્ટન છે. દેશના સૌથી યુવાન ટેસ્ટ કૅપ્ટનોમાં ગિલ ચોથા નંબરે છે.
ભારત 1932થી 2025 સુધીમાં કુલ 589 ટેસ્ટ મૅચ રમ્યું છે અને એમાં 36 કૅપ્ટનોએ નેતૃત્વનું કૌશલ્ય બતાવ્યું છે.
ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ભારતીય ટીમ ગિલના સુકાનમાં પાંચ ટેસ્ટ રમશે. પ્રથમ ટેસ્ટ 20મી જૂનથી લીડ્સમાં રમાશે. ગિલ આ સિરીઝથી રોહિત શર્માનો અનુગામી બનશે. રોહિતે તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેના પછી વિરાટ કોહલીએ પણ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.
પચીસ વર્ષનો ગિલ ભારતનો ચોથા નંબરનો સૌથી નાની વયનો (YOUNGEST) ટેસ્ટ સુકાની છે. આ લિસ્ટમાં તેની પહેલાંના ત્રણ કૅપ્ટનમાં સચિન તેન્ડુલકર (23 વર્ષ), કપિલ દેવ (24 વર્ષ) અને રવિ શાસ્ત્રી (પચીસ વર્ષ).
ઉલ્લેખનીય છે કે ગિલ અગાઉના ભારતના 36 ટેસ્ટ સુકાનીઓમાં કર્નલ સી. કે. નાયુડુ પ્રથમ હતા. તેમની આગેવાનીમાં 1932માં ભારત પહેલી વાર ટેસ્ટ મૅચ રમ્યું હતું. જોકે ત્યારે 20 વર્ષ બાદ (1952માં) ભારતે પહેલી વાર ટેસ્ટ વિજય માણ્યો હતો. ત્યારે વિજય હઝારે કૅપ્ટન હતા અને યોગાનુયોગ એ પ્રથમ ટેસ્ટ વિજય ઇંગ્લૅન્ડ સામે મેળવ્યો હતો. ભારતની એ ઐતિહાસિક ટેસ્ટ 1952ના ફેબ્રુઆરીમાં મદ્રાસ (હવે ચેન્નઈ)ના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી.
ભારતે વિદેશમાં પ્રથમ ટેસ્ટ-શ્રેણી વિજય 1967-’68માં મન્સૂર અલી ખાન પટૌડીના સુકાનમાં મેળવ્યો હતો. તેમના સુકાનમાં ભારત 40માંથી નવ ટેસ્ટ જીત્યું હતું. માત્ર પાંચ ભારતીય ટેસ્ટ કૅપ્ટનના નેતૃત્વમાં ભારત 10 કે વધુ ટેસ્ટ જીત્યું છે અને એમાં મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ છે.
કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ સુકાની છે. તેની કૅપ્ટન્સીમાં ભારત 68માંથી 40 ટેસ્ટ જીત્યું હતું. એ રીતે તેની કૅપ્ટન્સીનો સફળતાનો રેશિયો 58.82 ટકા છે.
ભારતના 37 ટેસ્ટ કૅપ્ટનો
(1) કર્નલ સી. કે. નાયુડુ
(2) મહારાજકુમાર ઑફ વિઝિયાનગરમ
(3) ઇફ્તિખાર અલી ખાન પટૌડી
(4) લાલા અમરનાથ
(5) વિજય હઝારે
(6) વિનુ માંકડ
(7) ગુલામ અહમદ
(8) પોલી ઉમરીગર
(9) હેમુ અધિકારી
(10) દત્તા ગાયકવાડ
(11) પંકજ રૉય
(12) ગુલાબરાય રામચંદ
(13) નરી કૉન્ટ્રૅક્ટર
(14) મન્સૂર અલી ખાન પટૌડી
(15) ચંદુ બોરડે
(16) અજિત વાડેકર
(17) શ્રીનિવાસ વેન્કટરાઘવન
(18) સુનીલ ગાવસકર
(19) બિશનસિંહ બેદી
(20) ગુંડપ્પા વિશ્વનાથ
(21) કપિલ દેવ
(22) દિલીપ વેન્ગસરકર
(23) રવિ શાસ્ત્રી
(24) કૃષ્ણમાચારી શ્રીકાંત
(25) મોહમ્મદ અઝહરુદ્દીન
(26) સચિન તેન્ડુલકર
(27) સૌરવ ગાંગુલી
(28) રાહુલ દ્રવિડ
(29) વીરેન્દર સેહવાગ
(30) અનિલ કુંબલે
(31) મહેન્દ્રસિંહ ધોની
(32) વિરાટ કોહલી
(33) અજિંક્ય રહાણે
(34) કેએલ રાહુલ
(35) રોહિત શર્મા
(36) જસપ્રીત બુમરાહ
(37) શુભમન ગિલ
આ પણ વાંચો….ઇંગ્લૅન્ડે 300 રનની સરસાઈ લઈને ઝિમ્બાબ્વેને ફૉલો-ઑન આપી…