
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ આજે ચેન્નાઈથી અમદાવાદ જવા રવાના થશે. તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે અને તે પાકિસ્તાન સામેની મેચમાં રમે એવી શક્યતા છે, પરંતુ એ પહેલા તેણે પોતાની ફિટનેસ સાબિત કરાવી પડશે.
ગિલને ડેન્ગ્યુ થયો હતો જેને કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શક્યો ન હતો. અફઘાનિસ્તાન સામેની મેચ માટે ટીમ દિલ્હી રવાના થઇ હતી પણ ગિલ સારવાર માટે ચેન્નાઈમાં રહ્યો હતો. હવે ગિલ અમદાવાદમાં ભારતીય ટીમ સાથે જોડાશે. અહીં ભારતે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાનું છે.
જોકે બીસીસીઆઈ દ્વારા શુભમન ગિલના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ આપવામાં આવી નથી. પરંતુ, મીડિયા રિપોર્ટ્સ મુજબ ગિલ આજે અમદાવાદ પહોંચશે અને તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. આવી સ્થિતિમાં તે પાકિસ્તાન સામેની મેચમાં રમવા ફિટનેસ પર કામ કરશે.
શુભમન ગિલના શરીરમાં પ્લેટલેટની સંખ્યા એક લાખ કરતા ઓછી થઇ ગઈ હોવાથી સાવચેતીના પગલા તરીકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હોસ્પીટલમાં માત્ર એક રાત રોકાયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે ગિલ માટે સૌથી મોટો પડકાર મેચ માટે ફિટ થવાનો રહેશે. અમદાવાદની ગરમીમાં ODI મેચ રમવા માટે ફિટનેસની જરૂર રહેશે.
શુભમન ગિલ આ વર્ષે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 20 ઇનિંગ્સમાં 1230 રન બનાવ્યા છે. તેની એવરેજ 72.35 અને સ્ટ્રાઈક રેટ 105.03 રહી છે. તેણે આ વર્ષે વનડેમાં બેવડી સદી પણ ફટકારી હતી. શુભમન ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેટ્સમેન છે. અમદાવાદના મેદાનમાં ગિલનો રેકોર્ડ શાનદાર છે. આવી સ્થિતિમાં તેનું ટીમમાં પરત ફરવું ભારત માટે ખૂબ મહત્વનું છે.