ગિલ આટલામી વાર `આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ’ અવૉર્ડ જીત્યો
ભારતનો વાઇસ-કૅપ્ટન બે મહારથીને પાછળ રાખીને જીત્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર

દુબઈઃ ભારતની વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ તાજેતરમાં ભારતના વિજેતાપદ સાથે પૂરી થયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ મૅચની અણનમ સેન્ચુરી (અણનમ 101) પછી એકંદરે સાધારણ રમ્યો હતો, પરંતુ ફેબ્રુઆરી મહિના માટેનો આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ' પુરસ્કાર ગિલને મળ્યો છે.
ગિલ ત્રીજી વાર આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. 2023ની સાલમાં તે જાન્યુઆરીમાં અને સપ્ટેમ્બરમાં
આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ’ બન્યો હતો.
ગિલે બાંગ્લાદેશ સામેના અણનમ 101 રન બાદ 46, 2, 8 અને 31 રનનું યોગદાન આપ્યું હતું. જોકે ફેબ્રુઆરીના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર તેણે ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યૂ ઝીલૅન્ડના ગ્લેન ફિલિપ્સને પાછળ રાખીને જીતી લીધો છે.
વાસ્તવમાં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની મૅચ ગિલના અણનમ 101 રન અને પાકિસ્તાન સામેની મૅચ ગિલના 46 રનની મદદથી જીતી લીધી હતી.
આપણ વાંચો: ફેવરિટ ક્રમ ઓપનિંગમાં આતશબાજી કરીને શુભમન ગિલ પાછો ફૉર્મમાં આવી ગયો
ફેબ્રુઆરીમાં ગિલે પાંચ મૅચમાં 101.50ની સરેરાશે અને 94.19ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 406 રન બનાવ્યા હતા. ખાસ કરીને ઇંગ્લૅન્ડ સામે ભારતે 3-0થી જીતેલી વન-ડે સિરીઝમાં ગિલે ઉપરાઉપરી ત્રણ 50-પ્લસ સ્કોર નોંધાવ્યા હતા.
તેણે નાગપુરમાં 87 રન, કટકમાં 60 રન અને અમદાવાદમાં ઝમકદાર સદી (112) ફટકારી હતી. એ સ્કોર બદલ ગિલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો અને મૅન ઑફ ધ સિરીઝ પણ તે જ બન્યો હતો.
ગિલ એ જ ફૉર્મને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં લઈ આવ્યો હતો અને ભારતને ટાઇટલ અપાવવામાં સારું યોગદાન આપ્યું હતું.