અમદાવાદઃ અહીં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ `બી’ ગ્રાઉન્ડ પર વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈના હાથમાંથી કર્ણાટકે વિજય આંચકી લીધો હતો. ખરેખર તો મુંબઈના કૅપ્ટન શ્રેયસ ઐયર (અણનમ 114, પંચાવન બૉલ, દસ સિક્સર, પાંચ ફોર)ની સદી કર્ણાટકના ક્રિષ્નન શ્રીજીથ (અણનમ 150, 101 બૉલ, ચાર સિક્સર, વીસ ફોર)ની સેન્ચુરી સામે ઝાંખી પડી ગઈ હતી.
આ પણ વાંચો : Ravindra Jadeja ની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી
કર્ણાટકને આ વન-ડે ટૂર્નામેન્ટમાં જીતવા 383 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. કર્ણાટકનો કૅપ્ટન મયંક અગરવાલ 47 રન બનાવી શક્યો હતો, પરંતુ શ્રીજીથ અને કે. વી. અનીશ (82 રન) વચ્ચે 94 રનની ભાગીદારી થઈ હતી જે મુંબઈને ભારે પડી હતી.
પ્રવીણ દુબે 66 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની અને શ્રીજીથ વચ્ચે ચોથી વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ થતાં મુંબઈની હાર નિશ્ચિત થઈ હતી. કર્ણાટકે 46.2 ઓવરમાં (બાવીસ બૉલ બાકી રાખીને) 383 રનનો લક્ષ્યાંક સાત વિકેટે મેળવી લીધો હતો.
મુંબઈ વતી આઠ બોલરે બોલિંગ કરી હતી જેમાં ફક્ત જુનેદ ખાનને બે વિકેટ અને શિવમ દુબેને એક વિકેટ મળી હતી. તનુશ કોટિયન, શાર્દુલ, સૂર્યાંશ શેડગે વગેરે બોલરમાં કોઈને પણ વિકેટ નહોતી મળી.
આ પણ વાંચો : નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
આ ટૂર્નામેન્ટની અન્ય મૅચોમાં હરિયાણા (260)ને ગુજરાતે (263/3), રાજસ્થાન (215)ને મહારાષ્ટ્ર (216/7)એ હરાવ્યું હતું. બરોડા (302/7)નો ત્રિપુરા (210) સામે તેમ જ સૌરાષ્ટ્ર (285/8) સામે પોંડિચેરી (289/5)નો વિજય થયો હતો.