શ્રેયસ અય્યર ICUમાંથી બહાર આવ્યો; BCCIની મેડીકલ ટીમની કાર્યવાહીથી જીવ બચ્યો

સિડની: ગત શનિવારે સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચ દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરને પાંસળીની ઈજા થઇ હતી, આંતરિક રક્તસ્ત્રાવ થતાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવા અહેવાલો પણ હતાં કે આ ઈજા જીવલેણ નીવડી શકે છે. હવે તેના સ્વાથ્ય અંગે મહત્વની અપડેટ મળી હતી, તેને ICU માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે, તેની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.
પહેલા બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલીયન ટીમના બેટર એલેક્સ કેરીનો કેચ પકડવા શ્રેયસ બેકવર્ડ પોઈન્ટથી દોડ્યો હતો અને અત્યંત મુશ્કેલ કેચ પકડ્યો હતો. શ્રેયસે કેચ તો પકડ્યો પણ જમીન પર પછડાતા ડાબી બાજુની પાંસળીમાં ઈજા થઇ હતી. તેને ડ્રેસિંગ રૂમમાં પરત મોકલવામાં આવ્યો હતો, પ્રાથમિક તપાસ દરમિયાન તેને ખુબ જ દુખાવો થતો હોવાથી તેને તુરંત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જીવનું જોખમ ટાળ્યું:
એક અહેવાલ મુજબ ઐયરની જીવને હવે જોખમ નથી, ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના મિત્રો હોસ્પિટલમાં તેની સાથે છે. વિઝા પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તેના પરિવારનો એક સભ્ય સિડની આવશે.
શ્રેયસને ભારત પરત ક્યારે લાવવામાં આવશે એ હજુ નક્કી નથી. BCCI, ટીમ મેનેજમેન્ટ, શ્રેયસ પરિવાર અને તેનો પર્સનલ સ્ટાફ તેન પરત લાવવામાં કોઈ ઉતાવળ કરવા ઈચ્છતા નથી. દક્ષિણ આફ્રિકા સામે 30 નવેમ્બરથી શરુ થતી ત્રણ મેચની વનડે સિરીઝમાં શ્રેયસ રમી શકે આવી શક્યતા નહીવત છે.
મેડીકલ ટીમે જીવ બચાવ્યો:
બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ જણાવ્યું હતું કે તેને સ્પ્લીન (spleen)માં લેસરેશન ઇન્જરી થઇ છે, તેની તબિયત સ્થિર થઇ રહી છે. શ્રેયસની સ્થિતિ પર નજર રાખવા ભારતીય ટીમના ડોક્ટર સિડનીમાં જ રહેશે.
અહેવાલ મુજબ ICC મેડિકલ કમિટી, BCCI મેડિકલ પેનલના વડા અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના વડા ડૉ. દિનશા પારડીવાલાને સિડની હોસ્પિટલથી મળેલા ઐયરના મેડિકલ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે. ડૉ. દિનશા પારડીવાલાએ અગાઉ ઋષભ પંત અને જસપ્રીત બુમરાહની સારવારની દેખરેખ રાખી હતી. તેમણે BCCI ને એક ઈમેલ લખ્યો, જેમાં તેમણે લખ્યું કે BCCI ના મેડિકલ સ્ટાફની ત્વરિત કાર્યવાહીને કારણે ઐયરનો જીવ બચી ગયો.
આ પણ વાંચો…શ્રેયસ અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યો; આંતરિક રક્તસ્ત્રાવને કારણે ચિંતા વધી



