ફિક્સિંગની વાતો ફેલાતા શોએબ મલિકે ખુલાસો આપવો પડ્યો
દુબઈ: સાનિયા મિર્ઝાને દગો આપવા બદલ શોએબ મલિકનું નામ ભારતમાં અને ખાસ કરીને ખેલકૂદ જગતમાં ખરડાયું જ છે, એવામાં હવે તેના પર ફિક્સિંગનો આક્ષેપ થાય એ તો તેના માટે મોટી આફત જ કહેવાય.
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં ફોર્ચ્યુન બારિશાલ વતી રમતા તેણે ફિક્સિંગ કર્યું હોવાનો સંદેહ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેણે ગણતરીના કલાકોમાં સ્પષ્ટતા બહાર પાડવી પડી હતી.
ફોર્ચ્યુન બારિશાલ વતી રમેલી એક મેચ દરમિયાન તેણે એક ઓવરમાં ત્રણ નો બૉલ ફેંક્યા એને પગલે તેની સામે ફિક્સિંગના આક્ષેપો થવા લાગ્યા છે.
જોકે શોએબે ખુલાસો કર્યો છે કે અમુક મીડિયા કમિટમેન્ટ્સને કારણે તેણે બીપીએલમાંથી બ્રેક લઈને દુબઈ જવું પડ્યું છે. શોએબે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે “મારા વિશેની ખોટી વાતો બાબતોમાં મારો ખુલાસો ધ્યાનમાં લેવાની હું મારા ફેન્સને વિનંતી કરું છું. ફોર્ચ્યુન બારિશાલ ટીમને બાકીની મેચો માટે હું શુભકામના આપું છું અને તેમને મારી જરૂર પડશે તો હું ઉપલબ્ધ થઈશ જ.”
ફોર્ચ્યુન ટીમના માલિકે પણ મીડિયામાં કહ્યું છે કે શોએબે તેમની ટીમ માટે સારું રમવા બનતા બધા જ પ્રયાસ કર્યા હતા અને તેના વિશે જે ખોટી માન્યતા છે એ દૂર થઈ જવી જોઈએ. તેણે એમના કેપ્ટન તમીમ ઈકબાલ સાથેની ચર્ચા પછી જ બીપીએલમાંથી બ્રેક લેવાનું પગલું ભર્યું છે.”