શોએબ મલિકે ફિક્સિંગ કર્યુ? બાંગ્લાદેશના ફ્રેન્ચાઈઝીએ કોન્ટ્રેક્ટ રદ કરી નાખ્યો

ઢાકા: શોએબ મલિકે સાનિયા મિર્ઝાને છોડીને ત્રીજા લગ્ન સના જાવેદ સાથે કરી લીધા એટલે શોએબનું ફોર્ચ્યુન (ભાવિ) મુસીબતમાં મુકાઈ ગયું છે કે શું?
જુઓને, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની ફોર્ચ્યુન બારિશાલ ટીમના ફ્રેન્ચાઇઝીએ ફિક્સિંગના આક્ષેપને પગલે શોએબ મલિક સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હોવાનો અહેવાલ મળ્યો છે.
ફોર્ચ્યુન વતી શોએબ ત્રણ મેચ રમીને દુબઈ પાછો આવ્યો હતો. 22 જાન્યુઆરીએ શેર-એ-બંગલા સ્ટેડિયમમાં શોએબે ખુલના ટાઇગર્સ સામેની મેચમાં એક ઓવરમાં ઉપરા ઉપરી ત્રણ નો બૉલ ફેંક્યા હતા. એ કારણસર જ શોએબ પર શંકાના વાદળો ઘેરાયા હતા.
ફોર્ચ્યુન બારિશાલના કેપ્ટન તમીમ ઇકબાલે શોએબને પાવર પ્લે દરમિયાન ઓવર આપી હતી. કેપ્ટનની આશા મુજબ તે સારી બોલિંગ તો નહોતો કરી શક્યો, ઓવરમાં ત્રણ-ત્રણ નો બૉલ ફેંકીને ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. તેની એ ઓવરમાં 18 રન બન્યા હતા. ફોર્ચ્યુંન એ મૅચ આઠ વિકેટથી હારી ગઈ હતી.
શોએબ એ ત્રણ નો બૉલને કારણે સોશિયલ મીડિયામાં ચાહકોનું નિશાન પણ બન્યો હતો.
બાંગ્લાદેશના સ્પોર્ટ્સ રિપોર્ટર સૈયદ સામીએ ફોર્ચ્યુન બારિશાલ ટીમના માલિક મિજાનુર રહેમાનને ટાંકીને જણાવ્યું હતું કે તેમના ફ્રેન્ચાઈઝીએ ફિક્સિંગના સંદેશને ધ્યાનમાં લઈને શોએબ સાથેના કોન્ટ્રાક્ટનો અંત લાવી દીધો છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે હવે પછી બાંગ્લાદેશ પ્રીમિયર લીગની બાકીની મેચોમાંમાં નહીં રમવાનું નક્કી કર્યું હોવાનું પણ મનાય છે.
શોએબ બીપીએલમાં ઢાકાના પહેલા રાઉન્ડમાં બધી મેચોમાં રમ્યો હતો, પરંતુ એમાં તેનો પર્ફોર્મન્સ નિરાશાજનક હતો. ફોર્ચ્યુન બારિશાલે કહ્યું છે કે બાકીની મેચોમાં શોએબને બદલે અહમદ શાહઝાદ રમશે.
અહીં ઉલ્લેખનીય છે કે શોએબે ગયા અઠવાડિયે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં મોટી સિદ્ધિ મેળવી હતી. એમાં થોડા વધુ રન કરીને તે ટી-ટ્વેન્ટી ક્રિકેટના ઇતિહાસમાં 13,000 રન પૂરા કરનારો વિશ્વનો બીજો ખેલાડી બન્યો હતો.