રહમાનને પડતો મૂકવાના બીસીસીઆઈના નિર્ણય મુદ્દે ધમકી: યુબીટી નેતાનો દાવો…

મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સને તેમની 2026ની આઈપીએલની સ્ક્વોડમાંથી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને પડતો મૂકવાના નિર્દેશ આપવાના બીસીસીઆઈના નિર્ણયને વધાવી લેતાં પોતાને જાનથી મારવાની ધમકી મળી હોવાનો દાવો શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ રવિવારે કર્યો હતો.
કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અજાણ્યા શખસે દુબેને વ્હૉટ્સઍપ મેસેજીસ અને ફોન કૉલ્સ દ્વારા શનિવારે ધમકી આપી હતી. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 અને 351(4) હેઠળ બિનદખલપાત્ર ગુનો (એનસી) નોંધવામાં આવ્યો હતો. આરોપીનું પગેરું મેળવવા અને તેને તાબામાં લેવાના પ્રયાસ પોલીસ કરી રહી છે.

સોશ્યલ મીડિયા પર વિગતવાર પોસ્ટ શૅર કરતાં દુબેએ દાવો કર્યો હતો કે બીસીસીઆઈના પગલાને ઉત્તમ નિર્ણય ગણાવવા માટે તેને ગાળાગાળી કરાઈ અને ધમકી આપવામાં આવી હતી.આ મુદ્દો અત્યંત ગંભીર છે. તેથી પોલીસ અને રાજ્ય સકારે તેને ગંભીરતાથી લેવો જોઈએ, એમ યુબીટીના નેતાએ જણાવ્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સે રહમાનને છૂટો કર્યો છે. આઈપીએલની હરાજીમાં રહમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધવાને લીધે બીસીસીઆઈ દ્વારા તેને પડતો મૂકવાના નિર્દેશ અભિનેતા શાહરુખ ખાનની ટીમ કેકેઆરને અપાયા હતા. (પીટીઆઈ)
આ પણ વાંચો…શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુરને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 9.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે?



