શિખર ધવન આ રેકૉર્ડમાં તો રિચર્ડ્સ, ગાંગુલી, કોહલીને પણ ટપી ગયો છે!
નવી દિલ્હી: કુલ 269 આંતરરાષ્ટ્રીય મૅચમાં 24 સેન્ચુરી ફટકારનાર અને ફાંકડી ફટકાબાજી માટે વિશ્ર્વભરમાં જાણીતા ભારતના લેફ્ટ-હૅન્ડ બૅટર શિખર ધવને એક એવો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે લખાવીને અને રખાવીને ઇન્ટરનૅશનલ કરીઅરને ગુડબાય કરી છે કે જે કદાચ વર્ષો સુધી કોઈ નહીં તોડી શકે. વન-ડે વર્લ્ડ કપ અને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટોમાં રમી ચૂકેલા વિશ્ર્વના દિગ્ગજોમાં જો કોઈની સર્વશ્રેષ્ઠ બૅટિંગ-ઍવરેજ હોય તો એ છે શિખર ધવનની.
શિખર ધવને શનિવારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
વન-ડે વર્લ્ડ કપ 1975થી રમાવાનો શરૂ થયો હતો અને ત્યાર બાદ ઘણા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ હતી. જોકે આઇસીસીની આ બન્ને પ્રકારની મેગા ટૂર્નામેન્ટોમાં ઓછામાં ઓછી 20 ઇનિંગ્સ રમી ચૂકેલા બૅટર્સમાં શિખરની 65.15ની બૅટિંગ-સરેરાશ અને 98.25નો સ્ટ્રાઇક-રેટ બેસ્ટ છે. આ 20 ઇનિંગ્સમાં શિખરે છ સદી ફટકારી હતી.
આ પણ વાંચો : શિખર ધવનને શાનદાર કરીઅર બદલ સેહવાગ, ગંભીર સહિત અનેકના અભિનંદન
આ યાદીમાં વિરાટ કોહલી (64.55ની ઍવરેજ, 89.11નો સ્ટ્રાઇક રેટ) બીજા નંબરે, સઈદ અનવર (63.36ની ઍવરેજ, 78.79નો સ્ટ્રાઇક રેટ) ત્રીજા નંબરે, વિવ રિચર્ડ્સ (63.31ની ઍવરેજ, 85.05નો સ્ટ્રાઇક રેટ) ચોથા નંબરે, કેન વિલિયમસન (63.00ની ઍવરેજ, 83.35નો સ્ટ્રાઇક રેટ) પાંચમા નંબરે અને સૌરવ ગાંગુલી (61.88ની ઍવરેજ, 79.64નો સ્ટ્રાઇક રેટ) છઠ્ઠા નંબરે છે.
શિખર બીજા કેટલાક રસપ્રદ વિક્રમો પણ નિવૃત્તિ લેતાં પહેલાં પોતાને નામ કરી ગયો છે. તેણે વન-ડેમાં રોહિત શર્મા સાથે કુલ 18 સેન્ચુરી પાર્ટનરશિપ કરી હતી. એ રીતે, આ જોડી ભારતીયોમાં સચિન-સૌરવની 21 ઓપનિંગ ભાગીદારી પછી બીજા ક્રમે છે.
17માંથી 12 વન-ડે સેન્ચુરી ભારતની બહારના મેદાનો પર ફટકારનાર શિખરે 2013માં મોહાલીમાં ઑસ્ટ્રેલિયા સામેની કરીઅરની પહેલી જ ટેસ્ટના પહેલા દાવમાં જે 187 રન બનાવ્યા હતા એ ભારત વતી ડેબ્યૂ ટેસ્ટના પહેલા દાવમાં વ્યક્તિગત સ્કોર નોંધાવનારાઓમાં મોખરે છે. તેનો જીગરજાન ઓપનિંગ પાર્ટનર રોહિત શર્મા બીજા નંબરે છે. રોહિતે 2013ની વેસ્ટ ઇન્ડિઝ સામેની ડેબ્યૂ ટેસ્ટના પહેલા દાવમાં (છઠ્ઠા નંબર પર રમીને) 177 રન બનાવ્યા હતા.
આઇપીએલમાં શિખરનો બહુ સારો રેકૉર્ડ રહ્યો છે. તેણે ચાર સીઝનમાં (2012, 2016, 2019, 2020, 2021) 500 કે 500થી વધુ રન બનાવ્યા હતા. આ પ્રકારના રેકૉર્ડમાં માત્ર કોહલી અને ડેવિડ વૉર્નર તથા કેએલ રાહુલ જ તેનાથી આગળ છે. કોહલી-વૉર્નરે સાત-સાત સીઝનમાં તથા રાહુલે છ સીઝનમાં 500થી વધુ રન ખડકી દીધા હતા.