શિખર ધવન ફરી લગ્નના બંધનમાં બંધાશે: જાણો કોણ છે ‘ગબ્બર’ની નવી જીવનસાથી?

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર ખેલાડી શિખર ધવનના જીવનમાં ફરી ખુશીઓએ દસ્તક આપી છે. ‘ગબ્બર’ તરીકે જાણીતા આ ખેલાડીએ પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર શિખર ધવને પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરતા જ રમત જગત અને બોલીવુડમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે.
શિખર ધવને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરી લીધી છે. આ ખુશખબર તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરીને આપી હતી. ધવને લખ્યું કે, “સ્મિતથી લઈને સપના સુધી, અમે બધું જ સાથે શેર કર્યું છે. અમારી સગાઈ પર મળેલા પ્રેમ અને આશીર્વાદ બદલ અમે આભારી છીએ. હવે અમે હંમેશા સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.” આ કપલ વર્ષ 2025થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું અને હવે તેમણે પોતાના સંબંધને નવું નામ આપ્યું છે.
આ પણ વાંચો: શિખર ધવનના જીવનમાં થઈ આ કોની એન્ટ્રી? પોસ્ટ થઈ વાઈરલ…
કોણ છે શિખરની મંગેતર સોફી શાઈન?
સોફી શાઈન મૂળ આયર્લેન્ડની રહેવાસી છે અને તે માર્કેટિંગ તેમજ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. તેણે લિમરિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કેસલટ્રોય કોલેજમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. હાલમાં સોફી અબુ ધાબીમાં એક મોટા કોર્પોરેશનમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. સોફી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જોડી ફેબ્રુઆરી 2026માં દિલ્હી-NCRમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
આ પણ વાંચો: શિખર ધવનની આઈરિશ ગર્લફ્રેન્ડ સોફી કોણ છે ? ક્યારે છે બંનેનાં મેરેજ ?
શિખર ધવનના અંગત જીવનની વાત કરીએ તો, તેણે વર્ષ 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. શિખરને પહેલી પત્નીથી જોરાવર નામનો એક પુત્ર પણ છે. જોકે, શિખર અને આયશા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડતા વર્ષ 2023માં કાયદેસર રીતે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. લાંબા સમય સુધી એકલા રહ્યા બાદ હવે શિખરના જીવનમાં સોફીના રૂપમાં ફરી એકવાર પ્રેમનું આગમન થયું છે.
શિખર ધવને વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ધવને 34 ટેસ્ટ મેચમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 ટી20 મેચમાં 1759 રન બનાવ્યા છે. આઈસીસીની ટુર્નામેન્ટમાં ધવનનું બેટ હંમેશા ગરજ્યું છે, જેના કારણે તેને ‘મિસ્ટર આઈસીસી’નું બિરુદ પણ મળ્યું હતું. હવે ક્રિકેટના મેદાન બાદ તે જીવનના મેદાનમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે.



