ભારતીય ક્રિકેટર બની ગયો લેખક, ક્રિકેટ ઉપરાંત દોસ્તી અને રિલેશનશિપ વિશે ઘણું લખ્યું છે
આ આક્રમક ઓપનર ધોનીને બૉલિવૂડના હીરો તરીકે જોવા માગતો હતો!

નવી દિલ્હીઃ ધમાકેદાર ઓપનિંગ બૅટિંગ માટે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને (Shikhar Dhawan) પુસ્તક લખ્યું છે જેમાં તેણે ક્રિકેટની શાનદાર કારકિર્દીમાં થયેલા અનુભવ ઉપરાંત પોતાની રિલેશનશિપ્સથી માંડીને દોસ્તી સુધીની રજેરજ માહિતી વણી લીધી છે તેમ જ મેદાન પર તથા મેદાનની બહાર પોતાને સ્પર્શેલા વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો છે.
ધ વનઃ ક્રિકેટ, માય લાઇફ ઍન્ડ મોર’ ટાઇટલવાળા આ પુસ્તક (book)માં શિખરે પોતાની ઝીણી ઝીણી જાણકારી તેમ જ નિરીક્ષણો શૅર કર્યા છે તેમ જ અનુભવોની વિગતો આપવા ઉપરાંત હૃદયના ઊંડા ભાવ પણ વ્યક્ત કર્યા છે.
આપણ વાંચો: શિખર ધવને આ લીગમાં શાનદાર ફિફ્ટી ફટકારી, દર્શકો જોતા રહી ગયા
તેણે પોતાની આ બુક વિશે કહ્યું છે, ક્રિકેટે મને એક ઉદ્દેશ આપ્યો. જોકે એમાં મારી સફરમાં હું ખૂબ ઊંચે ગયો અને નીચે પણ પડ્યો. જે કંઈ હોય, હું આજે જે કંઈ છું એ કરીઅર દરમ્યાનની યાદગાર ક્ષણોને લીધે જ છું. એ ક્રિકેટ સફર (cricket journey) મેં પ્રામાણિકપણે અને કંઈ પણ છુપાવ્યા વિના હૃદયના ઊંડા ભાવ સાથે વ્યક્ત કરી છે.’
દિલ્હી ક્રિકેટમાં તીવ્ર હરીફાઈ વચ્ચે કાબેલ ક્રિકેટર બનનાર શિખર શરૂઆતમાં તો વિકેટકીપર હતો, પરંતુ પછીથી ઓપનિંગ બૅટ્સમૅન બન્યો હતો. 2010થી 2022 સુધીની કરીઅરમાં તેણે ભારત વતી 34 ટેસ્ટમાં 2,315 રન, 167 વન-ડેમાં 6,793 રન અને 68 ટી-20માં 1,759 રન કર્યા હતા.
આપણ વાંચો: મિતાલી રાજ સાથે લગ્નની વાતને લઈને ખુદ ‘ગબ્બરે’ કર્યો ખુલાસો, શિખર ધવને કહ્યું કે…
શિખરને 2010ની સાલમાં (ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત-પ્રવાસે આવી હતી ત્યારે) પહેલી વાર ભારતીય ડ્રેસિંગ-રૂમમાં પ્રવેશ મળ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થઈ એ પહેલાંની વાત કરતા લખ્યું છે, મેં પહેલી વાર મહેન્દ્રસિંહ ધોનીને જોયો હતો ત્યારે તેના લુકથી ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો. હું તો તેને બૉલિવૂડની ફિલ્મમાં હીરો તરીકે જોવા માગતો હતો.
તે ફિલ્મ સ્ટાર જેવો જ દેખાતો હતો. લાંબા વાળ અને મોહક સ્મિત. મને તેનામાં બૉલિવૂડના હીરો જેવી ઝલક દેખાતી હતી.’ શિખરે એ સમયે ધોની સાથે પહેલી વાર થયેલી મુલાકાતની વાત કરતા લખ્યું છે, હું તેને મળ્યો ત્યારે ક્રિકેટમાં કરીઅર બનાવવાની મારી જે ઇચ્છા હતી એ તેની સમક્ષ વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: શિખર ધવનના જીવનમાં થઈ આ કોની એન્ટ્રી? પોસ્ટ થઈ વાઈરલ…
મેં તેને કહ્યું કે મારે ભારત વતી રમવું છે અને હું તને બૉલિવૂડના હીરો તરીકે જોવા માગું છું. તેણે મારી વાત સાંભળીને ચોંકી ગયો હતો અને પછી ખૂબ હસ્યો હતો.’
શિખર 2010માં કારકિર્દીની પહેલી વન-ડેમાં (ઑસ્ટ્રેલિયા સામે) ઝીરોમાં આઉટ થયો હતો, જ્યારે 2011માં પહેલી ટી-20માં (વેસ્ટ ઇન્ડિઝ સામે) ફક્ત પાંચ રન કરી શક્યો હતો. જોકે 2013માં સૌથી પહેલી ટેસ્ટમાં (ઑસ્ટ્રેલિયા સામે) પ્રથમ ઇનિંગ્સમાં 187 રન કરીને ક્રિકેટ જગતમાં છવાઈ ગયો હતો.
શિખરે 2008માં ઑસ્ટ્રેલિયામાં રહેતી આયેશા મુખરજી નામની કિકબૉક્સર સાથે સગાઈ કરી હતી અને 2012માં તેની સાથે લગ્ન કર્યા હતા. શિખર-આયેશા વચ્ચેની મુલાકાત હરભજન સિંહે કરાવી હતી.
શિખરથી આયેશા 12 વર્ષ મોટી હતી અને તેને બે પુત્રી હતી. 2014માં આયેશાએ શિખરથી થયેલા પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ ઝોરાવર છે. 2021માં શિખર-આયેશાએ છૂટાછેડા લીધા હતા. શિખરની હાલમાં આઇરિશ પ્રૉફેશનલ સૉફી શાઇન સાથે રિલેશનશિપ છે.