IPL 2024સ્પોર્ટસ

50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન

મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં રોહિત શર્મા અને ઇશાન કિશનની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારીથી જ વિજયનો પાયો નાખવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ બન્ને ઓપનરે જેટલા ધમાકા બોલાવ્યા લગભગ એટલા છેલ્લે રોમારિયો શેફર્ડે કર્યા હતા. મુંબઈએ આમ તો છેલ્લા આઠ બૉલમાં 42 રન બનાવ્યા હતા, પણ હેન્રિક નોર્કિયાની 20મી ઓવરમાં 29 વર્ષના કૅરિબિયન હાર્ડ-હિટર રોમારિયો શેફર્ડે જે ધમાલ મચાવી એ યાદગાર હતી.

શેફર્ડે એ ઓવરમાં 4, 6, 6, 6, 4, અને 6 એમ છએ છ બૉલને બાઉન્ડરી દેખાડી હતી.


શેફર્ડનું પાવર હિટિંગ જોઈને કૅપ્ટન હાર્દિક પંડ્યા સહિત એમઆઇના ડગઆઉટમાંની એકેએક વ્યક્તિ આનંદના અતિરેકમાં ડૂબી ગઈ હતી. હાર્દિક તો ઊભો થઈ ગયો હતો અને શેફર્ડની વાહ-વાહ કરતો થાકતો નહોતો.


રાઇટ-હૅન્ડ શેફર્ડને મુંબઈ ઇન્ડિયન્સે માત્ર 50 લાખ રૂપિયામાં મેળવ્યો છે. આ સીઝનમાં તેની આ પહેલી જ મૅચ હતી અને એને તેણે યાદગાર બનાવી નાખી. તેણે માત્ર 10 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોરની મદદથી અણનમ 39 રન બનાવ્યા હતા. તેના 39માંથી 36 રન બાઉન્ડરીઝમાં બન્યા હતા. તેની અને 45 રને અણનમ રહેલા ટિમ ડેવિડ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 53 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

ALSO READ : સૂર્યકુમારનું આગમન મુંબઈનો વિજયોદય કરાવી શકે

શેફર્ડે નોર્કિયાના પહેલા બૉલમાં સ્ટ્રેઇટ શૉટમાં ફોર ફટકારી હતી. બીજા બૉલમાં લૉન્ગ-ઑન પરથી સિક્સર ફટકારી હતી. એ ઓવરમાં આગળ શું થઈ શકે એનો અંદાજ કદાચ ખુદ બોલરને આવી ગયો હશે એટલે તેણે વૅરિએશનનો સહારો લીધો હતો. જોકે એમઆઇ તરફી 18,000 બાળકો સહિત હજારો પ્રેક્ષકો શેફર્ડની વધુ ફટકાબાજીની અપેક્ષા રાખીને તૈયાર બેઠા હતા. નોર્કિયાના ત્રીજો બૉલ શેફર્ડે ડીપ સ્ક્વેર લેગ પરથી ગ્રાઉન્ડની બહાર મોકલ્યો હતો. એ જોઈને તેનો જોડીદાર ટિમ ડેવિડ પણ છક થઈ ગયો હતો. ડેવિડ જાણતો હશે કે શેફર્ડ એટલાથી અટકવાનો નહોતો. ચોથી ડિલિવરીમાં શેફર્ડે ફરી લૉન્ગ-ઑન પરથી સિક્સરના રૂપમાં બૉલને મેદાનની બહાર મોકલ્યો. પાંચમા બૉલમાં શેફર્ડે વધુ એક ફોર ફટકારી હતી. હરીફ ટીમનો કૅપ્ટન રિષભ પંત શેફર્ડની આતશબાજી જોઈને નિરાશ હાલતમાં ઊભો રહ્યો હતો. શેફર્ડે ફરી વાર બૉલને લૉન્ગ-ઑન પરથી મેદાનની બહાર મોકલીને છગ્ગા સાથે મુંબઈની ઇનિંગ્સ પૂરી કરી હતી.


મુંબઈની ટીમનો મેન્ટર સચિન તેન્ડુલકર પર શેફર્ડની બેકાબૂ ફટકાબાજી જોઈને તેના પર આફરીન થઈ ગયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button