ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નબળા પ્રદર્શન માટે ગૌતમ ગંભીર જવાબદાર! શાસ્ત્રી-ગાંગુલીએ ઉઠાવ્યા સવાલ

મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટમાં હાર બાદ ગુવાહાટી ટેસ્ટમાં પણ ભારતીય ટીમ મુશ્કેલી સ્થિતિમાં છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ક્રિકેટ ટીમ 201 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ. જેને કારણે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉભા થયા છે.
2013 થી 2023 વચ્ચેના દસ વર્ષમાં કુલ મળીને ભારતીય ટીમ ઘરઆંગણે 4 મેચ હારી હતી, ગૌતમ ગંભીરે કોચિંગ સંભાળ્યા બાદ ભારતીય ટીમનો ઘરઆંગણે ચાર ટેસ્ટ મેચ હારી ચુકી છે. ગુવાહાટી ટેસ્ટમાં પણ જીત કે ડ્રોની સંભાવના ખુબ જ ઓછી છે. ત્યારે ગંભીરના ઘણા નિર્ણયો પર હવે સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમનો ધબડકો! આટલા રનમાં ઓલ આઉટ; દક્ષિણ આફ્રિકાને જંગી લીડ
ઓલરાઉન્ડર્સ પર વધુ વિશ્વાસ:
તાજેતરમાં કોલકાતામાં રમાયેલી ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં છ લેફ્ટ હેન્ડ ખેલાડીઓને પ્લેઈંગ લેવનમાં સામેલ કરવામાં આવ્યા હતાં અને ઓલરાઉન્ડરો પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. જોકે, ક્રિકેટ નિષ્ણાતોના મત મુજબ ટીમમાં બેટર્સ અને બોલર્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
ઓલરાઉન્ડરોનો પણ સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. વોશિંગ્ટન સુંદરે પહેલી ટેસ્ટમાં માત્ર એક જ ઓવર ફેંકી હતી. જ્યારે બીજી ઇનિંગમાં એકપણ ઓવર ફેંકી ન હતી.
આ પણ વાંચો: બીજી ટેસ્ટમાં ભારત મોટી મુશ્કેલીમાં
ટીમ સિલેકશન અંગે સવાલ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રી એ કહ્યું કે ટીમ સિલેકશન અંગે ગંભીરના વિચારો સમજાતા નથી. કોલકાતા ટેસ્ટ માટે ટીમ ચાર સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું, પરંતુ એક સ્પિનરે ફક્ત એક જ ઓવર ફેંકી હતી. મને લાગે છે કે તેને બદલે નિષ્ણાત બેટરને સ્થાન આપવું જોઈતું હતું.
ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને અન્ય નિષ્ણાતોએ મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન ન આપવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
બેટિંગ પોઝિશન:
રવિ શાસ્ત્રીએ કોમેન્ટ્રી દરમિયાન વોશિંગ્ટન સુંદરની બેટિંગ પોઝિશન પર ખાસ સવાલ ઉઠાવ્યા. શાસ્ત્રીએ કહ્યું, “છેલ્લી ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરને નંબર 3 પર મોકલવામાં આવ્યો હતો. આ સમજની બહાર છે.”
સામાન્ય રીતે નંબર 3ના સ્થાન પર ટીમ તેના સૌથી સારા બેટરને ઉતારે છે. જોકે, ગુવાહાટી ટેસ્ટમાં તેને નંબર 3 ને બદલે નંબર 8 પર મોકલવામાં આવ્યો, સાઈ સુદર્શનને ફરીથી નંબર 3 પર તક આપવામાં આવી.
પિચને સમજવામાં નિષ્ફળ:
અહેવાલ મુજબ ગૌતમ ગંભીરે કોલકાતામાં ટર્નિંગ ટ્રેક રાખવા માટે પીચ ક્યુરેટરને આગ્રહ કર્યો હતો, જે દાવ ઉલટો પડ્યો, મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઇ ગઈ. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ ગંભીરના વલણની ખુલ્લેઆમ ટીકા કરી હતી.
ગંભીર સમજવામાં નિષ્ફળ રહ્યા કે ભારતીય ટીમને કેવા પ્રકારની પિચ અનુકૂળ રહેશે.
કોચ તરીકે ગંભીરનો કાર્યકાળ:
ટેસ્ટ ક્રિકેટ: 18 મેચ, 7 જીત, 9 હાર, 2 ડ્રો (41.17% જીત)
વનડે ક્રિકેટ: 14 મેચ, 9 જીત,4 હાર, 1 ટાઈ (64.28% જીત)
T20I ક્રિકેટ: 22 મેચ,20 જીત, 2 હાર (90.9% જીત)



