બુમરાહને આરામ આપ્યો એટલે શાસ્ત્રી સમસમી ગયા, આકરી ટકોરમાં કહ્યું કે…

બર્મિંગમઃ જસપ્રીત બુમરાહ લીડ્સની પ્રથમ ટેસ્ટમાં રમ્યો અને ત્યાર પછીના સાત દિવસ (Seven day’s break)ના લાંબા બ્રેક બાદ હવે ફુલ્લી ફિટ હોવા છતાં તેને એજબૅસ્ટનની બીજી ટેસ્ટમાં ન રમાડવામાં આવ્યો એ નિર્ણયથી ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નારાજ છે. શાસ્ત્રીએ જણાવ્યું છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરને તમે સાત દિવસના બ્રેક બાદ બેસાડી રાખો એ યોગ્ય નિર્ણય ન કહેવાય.
‘ ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં બુમરાહે પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને એ ટેસ્ટમાં ભારતીયોની કુલ પાંચ સેન્ચુરી થવા છતાં તેમ જ ભારતીય બૅટ્સમેનોએ કુલ 835 રન કરવા છતાં છેવટે ભારતે પરાજય જોવો પડ્યો હતો. ગયા ઑક્ટોબરથી માંડીને અત્યાર સુધીમાં ભારતે ટેસ્ટ-ક્રિકેટમાં ખરાબ સમય જોયો છે. .
આપણ વાંચો: IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
નવમાંથી ફક્ત એક ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે. છેલ્લા એક દાયકામાં ભારતે આવો ખરાબ સમય ક્યારેય નહોતો જોયો. રવિ શાસ્ત્રીએ એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને કહ્યું, ટેસ્ટ-ક્રિકેટમાં ભારતનો છેલ્લા નવ મહિનાનો રેકૉર્ડ અત્યંત ખરાબ રહ્યો છે એ જોતાં આ ટેસ્ટ (એજબૅસ્ટનની ટેસ્ટ) ખૂબ જ અગત્યની કહેવાય.
ન્યૂ ઝીલૅન્ડ સામે ત્રણ, ઑસ્ટ્રેલિયા સામે ત્રણ અને હવે ઇંગ્લૅન્ડ સામે એક ટેસ્ટ હારી ગયા પછી હવે તો ભારતીય ટીમે વિજય પથ પર પાછું આવવાનું જ છે. જોકે ટેસ્ટ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલર (બુમરાહ)ને તમે સાત દિવસના બ્રેક પછી પણ બેસાડી રાખો એ નિર્ણય મારા ગળે નથી ઊતરતો.’
બુમરાહને વર્કલૉડ મૅનેજમેન્ટ (workload management)ના ભાગરૂપે આ બીજી ટેસ્ટમાં નથી રમાડવામાં આવ્યો. કૅપ્ટન શુભમન ગિલે બુધવારે કહ્યું હતું કે તેને લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં રમાડવામાં આવશે.
બુમરાહે સિરીઝની પહેલાં જ જાહેર કરી દીધું હતું કે તે શ્રેણીની તમામ પાંચ ટેસ્ટ નહીં રમે અને ફક્ત ત્રણ મૅચ રમશે. જોકે તે કઈ ત્રણ ટેસ્ટ રમશે એ નક્કી નહોતું.