વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સ્થાન ક્યારે મળશે? શશિ થરૂરે BCCI પાસે કરી મોટી માંગ

મુંબઈ: ગઈ કાલે શરુ થયેલી વિજય હજારે ટ્રોફી 2025-26ની પહેલી મેચમાં બિહારના 14 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ સામે માત્ર 84 બોલમાં 190 રનની ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે, ભારતીય ક્રિકેટ ચાહકો તેને સિનીયર ઇન્ડિયન નેશનલ ટીમમાં જોવા ઈચ્છે છે. એવામાં કોંગ્રેસ દિગ્ગજ નેતા અને તિરુવનંતપુરમથી લોકસભાના સાંસદ શશી થરૂરે વૈભવને ભારતીય ટીમમાં સ્થાન આપવાની માંગને સમર્થન આપ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શશી થરૂરે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) ને પૂછ્યું છે કે વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં ક્યારે સ્થાન આપવામાં આવશે?
સચિન સાથે સરખામણી:
શશિ થરૂરેએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ઉદાહરણ આપીને લખ્યું, “અગાઉ એક 14 વર્ષના બાળકે ક્રિકેટમાં આવી અદ્ભુત પ્રતિભા દર્શાવી હતી, એ સચિન તેંડુલકર હતા. આપણે જાણીએ છીએ કે તેમણે આગળ જતાં કેવી સિદ્ધિઓ મેળવી. આપણે શેની રાહ જોઈ રહ્યા છો? વૈભવ સૂર્યવંશી ફોર ઇન્ડિયા!”
શશી થરૂરે આ પોસ્ટના BCCI, ચીફ સિલેક્ટર અજિત અગરકર, હેડ કોચ ગૌતમ ગંભીર, અને સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે.
નોંધનીય છે કે સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ માટે 14 વર્ષની ઉંમરે પહેલી સદી ફટકારી હતી. ગઈ કાલે વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બોલમાં લિસ્ટ-A વન ડે ક્રિકેટમાં તેની પ્રથમ સદી પૂરી કરી, આ સાથે જ તે લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો.
ગઈ કાલે વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ સામે 84 બોલમાં 190 રન બનાવ્યા, તેણે 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતાં.
આ પણ વાંચો…વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન ફટકાર્યા! 14 વર્ષની ઉંમરે આ દિગ્ગજોના વર્લ્ડ રેકોર્ડ તોડ્યા…



