સ્પોર્ટસ

વૈભવ સૂર્યવંશીને સચિન તેંડુલકર જેમ જ તક મળવી જોઈએ! શશી થરૂરે કરી માંગ

મુંબઈ: બિહારનો 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ડોમેસ્ટિક ક્રિકેટ અને જુનિયર લેવલની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં U-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તેણે 175 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી. ભારતીય ક્રિકેટ ચાહકો તેને સીનીયર ટીમમાં જોવા ઈચ્છે છે, એવામાં કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વૈભવની સરખામણી મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે કરી છે.

શશી થરૂરે માંગ કરી કે સચિન તેંડુલકરને નાની ઉંમરે જે રીતે તક આપવામાં આવી હતી એ રીતે વૈભવ સૂર્યવંશીને પણ તક આપવામાં આવે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને શશી થરૂરે લખ્યું, “વૈભવ સૂર્યવંશીને ઝડપથી ઉચ્ચ સન્માન મળવું જોઈએ. અગાઉ 14 વર્ષનાં એક પ્રતિભાશાળી ખેલાડીને તક આપવામાં આવી હતી, તેનું નામ સચિન તેંડુલકર હતું. તેને વધારે રાહ જોવડાવામાં આવી ન હતી.”

વૈભવ બીજો સચિન તેંડુલકર?
1980ના દાયકાના અંતમાં મુંબઈના મેદાનો પર અને સ્થાનિક ક્રિકેટમાં અસાધારણ પ્રતિભા દર્શાવ્યા બાદ સચિનને ભારતીય સીનીયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વૈભવ સૂર્યવંશીએ પણ કંઇક આવી જ પ્રતિભા દર્શાવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે શદી ફટકારી હતી, તે IPLમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યો.

ગત વર્ષના અંતે U-19 એશિયા કપમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરી. ડોમેસ્ટિક ક્રિકેટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું.

તાજેતરમાં U-19 વર્લ્ડ કપ 2026ની ઇંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં વૈભવે 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ રમત રમી હતી, જેમાં તેણે 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા, તેણે 150 રન ફક્ત બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button