સ્પોર્ટસ

શાર્દુલે પહેલી જ વાર ફટકારી સેન્ચુરી, મુંબઈની પકડ વધુ મજબૂત બનાવી

મુંબઈ: રણજી ટ્રોફીમાં મુંબઈ સૌથી વધુ 41 ટાઇટલ જીત્યું છે અને હવે 42મું ટાઇટલ બહુ દૂર નથી એવું અહીં બીકેસીમાં તામિલનાડુ સામે રમાઈ રહેલી પાંચ દિવસીય સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં રવિવારના બીજા દિવસે મુંબઈની જે સ્થિતિ હતી એના પરથી ખાતરીપૂર્વક કહી શકાય.

મુંબઈનો પ્રથમ દાવનો સ્કોર નવ વિકેટે 353 રન હતો. તામિલનાડુના પ્રથમ દાવના 146 રનના જવાબમાં મુંબઈએ અત્યારથી 207 રનની લીડ લઈ લીધી છે અને બીજા દાવમાં તામિલનાડુને સસ્તામાં આઉટ કરીને મુંબઈ ફાઇનલમાં આસાનીથી પહોંચી શકે એમ છે.

ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (109 રન, 105 બૉલ, ચાર સિક્સર, તેર ફોર) રવિવારની રમતનો હીરો હતો. તેણે બે મોટી ભાગીદારી કરીને મુંબઈને મુસીબતમાંથી ઉગારી લીધું હતું. તેની અને 74 રને રમી રહેલા તનુશ કોટિયન વચ્ચે નવમી વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી. એ પહેલાં, 35 રન બનાવનાર હાર્દિક તમોરે સાથે શાર્દુલે આઠમી વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ કરી હતી.

શાર્દુલ ઠાકુર 12 વર્ષથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમે છે અને સાત વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છે. જોકે એકેય વાર તે 100 રનના આંકડા સુધી નહોતો પહોંચી શક્યો. રવિવાર તેણે ક્રિકેટ-કરીઅરમાં પહેલી જ વખત પોતાની સેન્ચુરીનું સેલિબ્રેશન માણ્યું હતું.

બીકેસીમાં સવારે વાદળિયા હવામાન વચ્ચે ઠંડો પવન પણ ફૂંકાતો હતો. એ વાતાવરણમાં તામિલનાડુના કૅપ્ટન અને લેફ્ટ-આર્મ સ્પિનર સાંઇ કિશોરે 97 રનમાં છ વિકેટ લઈને મુંબઈના સ્કોરને વારંવાર બ્રેક લગાવી હતી, પરંતુ પંચાવન રન બનાવનાર મુશીર ખાન પછી શાર્દુલ, કોટિયન અને હાર્દિકે અને અમુક અંશે કૅપ્ટન અજિંક્ય રહાણે (67 બૉલમાં 19 રન)એ મુંબઈને સરસાઈ અપાવવામાં સફળતા મેળવી હતી. મુશીર બહુ સમજદારીથી રમી રહ્યો હતો, પરંતુ તેણે એકાગ્રતા જરાક માટે ગુમાવી અને વિકેટકીપર નારાયણ જગદીશને બેલ્સ ઉડાડીને તેને સ્ટમ્પ-આઉટ કરી દીધો હતો.

શનિવારના પ્રથમ દિવસે તામિલનાડુની બે વિકેટ લેનાર શાર્દુલે રવિવારે બૅટથી પણ પરચો બતાવ્યો હતો.
નાગપુરમાં મધ્ય પ્રદેશના આવેશ ખાનની ચાર વિકેટને કારણે વિદર્ભ ફક્ત 170 રનમાં ઑલઆઉટ થયા બાદ મધ્ય પ્રદેશે 252 રન બનાવીને 82 રનની સરસાઈ લીધી હતી. વિકેટકીપર-ઓપનર હિમાંશુ મંત્રીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં છઠ્ઠી સદી નોંધાવી હતી. આ લેફ્ટ-હૅન્ડ બૅટરે 126 રન બનાવ્યા હતા.

વિદર્ભ વતી ઉમેશ યાદવ અને યશ ઠાકુરે ત્રણ-ત્રણ વિકેટ તથા અક્ષય વખારેએ બે વિકેટ લીધી હતી. બીજા દિવસની રમતને અંતે વિદર્ભનો બીજા દાવનો સ્કોર એક વિકેટે 13 રન હતો. ઓપનર અથર્વ ટૈડની વિકેટ આવેશ ખાને લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button