ક્રિકેટર શાર્દુલ ઠાકુર બન્યો પિતા, સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, વેલકમ…

મુંબઈ: ક્રિકેટર શાર્દુલ ઠાકુરના ઘરે દીકરા જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરીને પિતા બન્યા હોવાની જાણકારી આપી હતી. તેણે કેપ્શનમાં લખ્યું કે, “માતાપિતાના હૃદય નીચે છુપાયેલું, મૌન, વિશ્વાસ અને અનંત પ્રેમથી સુરક્ષિત. આપણું રહસ્ય આખરે ખુલ્લું પડી ગયું છે. વેલકમ બેટા, નવ મહિનાથી આપણે જે સ્વપ્નને જોઈ રહ્યા હતા.” શાર્દુલની આ ભાવુક પોસ્ટ પર ચાહકો અને સાથી ખેલાડીઓ પ્રેમ વરસાવી રહ્યા છે.
આ ખુશીના સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ સેલિબ્રિટીઝની કોમેન્ટ્સની લાઇન લાગી ગઈ હતી. પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘટગે અને રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ સહિત અનેક જાણીતા ચહેરાઓએ નવા મમ્મી-પપ્પાને અભિનંદન પાઠવ્યા છે. ક્રિકેટ ફેન્સ પણ કોમેન્ટ સેક્શનમાં જૂનિયર ઠાકુરના આગમનને વધાવી રહ્યા છે.
શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરની લવ સ્ટોરી કોઈ ફિલ્મ જેવી છે. તેઓ શાળાના સમયથી જ એકબીજાને ઓળખતા હતા અને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. નવેમ્બર 2021માં તેમની સગાઈ થઈ હતી, જેમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા સ્ટાર ક્રિકેટરો હાજર રહ્યા હતા. ત્યારબાદ 27 ફેબ્રુઆરી 2023ના રોજ આ કપલે લગ્ન કર્યા હતા.
શાર્દુલની પત્ની મિતાલી માત્ર એક ક્રિકેટરની વાઈફ જ નથી, પરંતુ તે એક સફળ બિઝનેસવુમન પણ છે. તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ બિઝનેસ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. મિતાલી પોતાની એક બેકરી બ્રાન્ડ ચલાવે છે, જેની બ્રાન્ડ વેલ્યુ કરોડોમાં હોવાનું કહેવાય છે. આમ, શાર્દુલ અને મિતાલીની જોડી મેદાન અને વ્યવસાય બંને ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહી છે.



