
કોલકાતા: ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ પૈસા આપતી ટી-20 ટૂર્નામેન્ટ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને એમાં રમવા મળે એ ખેલાડીના પોતાના માટે, તેના દેશ માટે, તેના ક્રિકેટ બોર્ડ માટે અને તેના પરિવાર માટે મોટું ગૌરવ કહેવાય. જોકે 16 વર્ષના ઇતિહાસમાં આપણે જોયું છે કે ઘણા ખેલાડીઓના ડેબ્યૂ નિરાશાજનક રહ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝના 24 વર્ષના રાઇડ-આર્મ ફાસ્ટ બોલર શમાર જોસેફને કૅપ્ટન કે. એલ. રાહુલે આજે કોલકાતા સામેની ઇનિંગ્સમાં સૌથી પહેલી ઓવર બોલિંગ કરવાની જવાબદારી આપી હતી. જોકે એ ઓવરમાં કુલ બાવીસ રન બન્યા હતા. તેના પહેલા પાંચ બૉલમાં એક ફોર સહિત કુલ આઠ રન બન્યા હતા, પણ પછીનો છઠ્ઠો બૉલ જોસેફ માટે અનેક મુસીબતો લઈને આવ્યો હતો.
તેણે છઠ્ઠા બૉલની શરૂઆત નો-બૉલથી કરી હતી, ત્યાર પછી વાઇડ ફેંકાયો હતો, ત્યાર પછી પણ વાઇડ ફેંકાયો જેમાં ચોક્કા સહિત વાઇડના પાંચ રન બન્યા હતા, તેણે ફરી નો-બૉલ ફેંક્યો હતો અને હવે એ છઠ્ઠો બૉલ લીગલ બૉલ હતો જેમાં ફિલ સૉલ્ટે છગ્ગો ફટકાર્યો હતો. આમ, એક બૉલમાં 14 રન બન્યા હતા.
તે આ ખરાબ ઓવર પછી નિરાશ હાલતમાં ફીલ્ડિંગમાં પોતાની જગ્યાએ જઈ રહ્યો હતો ત્યારે કૅપ્ટન રાહુલે તેના ખભે હાથ મૂકીને તેને દિલાસો આપ્યો હતો. કોલકાતાની ઇનિંગ્સની 10 ઓવરની રમતને અંતે જોસેફની કુલ ત્રણ ઓવરમાં 33 રન બન્યા હતા અને તેને એકેય વિકેટ નહોતી મળી.
શમાર જોસેફ માંડ બે ટેસ્ટ અને બે ડોમેસ્ટિક ટી-20 મૅચ રમ્યો છે ત્યાં તેને આઇપીએલમાં રમવા બોલાવાયો છે. લખનઊના ફ્રૅન્ચાઇઝીએ તેને ત્રણ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
લખનઊએ કોલકાતાના આ મૅચમાં જીતવા 162 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.