નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2023માં સતત ત્રણ હાર બાદ સેમિફાઇનલની રેસમાં પાછળ રહી ગયેલી ન્યૂ ઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. ટીમના ફાસ્ટ બોલર મેટ હેનરીની હેમસ્ટ્રિંગની ઈજા ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મેટ હેનરીના સ્થાને કાયલ જેમિસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકા સામે બોલિંગ કરતી વખતે મેટ હેનરી ઈજાગ્રસ્ત થયો હતો. મેચ બાદ તેનો એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યો હતો. આ અંગે જાણવા મળ્યું હતું કે તેની ઈજા ગંભીર છે અને તેને ઠીક થવામાં બેથી ચાર અઠવાડિયાનો સમય લાગશે.આ પછી ન્યૂ ઝીલેન્ડની ટીમે હેનરીને પડતો મૂક્યો અને તેના સ્થાને જેમિસનને સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમિસન પણ ગુરુવારે રાત્રે ટીમ સાથે જોડાઈ ગયો છે.
તેણે બેંગલુરુમાં ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. તેને પહેલા મેટ હેનરીના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો પરંતુ હવે તેને કીવી ટીમની વર્લ્ડ કપ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામે રમી શક્યો નહોતો. આફ્રિકા સામેની મેચ દરમિયાન જીમી નીશમ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હવે આ બંને ફિટ થવાની આશા છે. આ સિવાય કેન વિલિયમસન અને માર્ક ચેપમેન પણ ઈજાના કારણે ટીમની બહાર છે. વર્લ્ડ કપમાં હવે ન્યૂ ઝીલેન્ડની મેચ પાકિસ્તાન સામે છે.
Taboola Feed