શાઇ હોપે લારાનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો, ધોનીની બરાબરી કરીઃ રોહિત-વિરાટને પણ ઓળંગીને વિશ્વનો એવો પહેલો ખેલાડી બન્યો જેણે…

નૅપિયરઃ વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન-વિકેટકીપર શાઇ હોપે (109 અણનમ, 69 બૉલ, ચાર સિક્સર, તેર ફોર) બુધવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં એક સેન્ચુરી ફટકારીને ઘણા રેકૉર્ડ રચ્યા તેમ જ નવી સિદ્ધિ મેળવી હતી. તે કૅરિબિયન ટીમને બીજી વન-ડેમાં વિજય તો ન અપાવી શક્યો, પણ ઘણી રીતે રેકૉર્ડ-બુકમાં પોતાનું નામ અંકિત કરાવી લીધું હતું.
વેસ્ટ ઇન્ડિઝે વરસાદના વિઘ્નને પગલે નિર્ધારિત થયેલી 34 ઓવરમાં શાઈ હોપની સદીની મદદથી નવ વિકેટે 247 રન કર્યા હતા. નૅથન સ્મિથે ચાર અને કાઇલ જૅમીસને ત્રણ વિકેટ લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડે ડેવૉન કૉન્વેના 90 રન, રચિન રવીન્દ્રના 56 રન, વિકેટકીપર ટૉમ લૅથમના અણનમ 39 તેમ જ કૅપ્ટન મિચલ સૅન્ટનરના અણનમ 34 રનની મદદથી 33.3 ઓવરમાં પાંચ વિકેટે 248 રન કરીને ત્રણ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.
ન્યૂ ઝીલૅન્ડે આ જીત સાથે સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. હવે ત્રીજી અને અંતિમ વન-ડે શનિવારે (ભારતીય સમય મુજબ સવારે 6.30 વાગ્યાથી) હૅમિલ્ટનમાં રમાશે.
આ પણ વાંચો: વન-ડે ક્રિકેટના 54 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત એવું બન્યું જેમાં…

બુધવારે હારવા છતાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવનાર શાઇ હોપે આ મૅચમાં કેટલીક સિદ્ધિઓ મેળવી હતીઃ
(1) શાઇ હોપે નવ વર્ષની વન-ડે કારકિર્દીમાં 19 સેન્ચુરી ફટકારી છે. કૅપ્ટન તરીકે તેની આ છઠ્ઠી વન-ડે સદી હતી અને એ સાથે તેણે કૅરિબિયન કૅપ્ટનોમાં સૌથી વધુ પાંચ સેન્ચુરી ફટકારનાર બ્રાયન લારાનો રેકૉર્ડ (Record) તોડ્યો છે.
(2) વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમેનોમાં સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર બીજા નંબરના ખેલાડી લારાની શાઈ હોપે બરાબરી પણ કરી છે. લારાની માફક હવે શાઇ હોપની પણ 19 સદી છે. તેમનાથી માત્ર ક્રિસ ગેઇલ (પચીસ સદી) આગળ છે.
(3) વિકેટકીપર-કૅપ્ટન તરીકે સૌથી વધુ છ વન-ડે સદી ફટકારનારાઓમાં એમએસ ધોની મોખરે હતો, પણ હવે શાઇ હોપ પણ છઠ્ઠી સદી સાથે તેની હરોળમાં આવી ગયો છે.
(4) વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે સૌથી વધુ 23 વન-ડે સેન્ચુરી (Century) સંગકારાના નામે છે. ત્યાર પછી બાવીસ સદી સાથે બીજા નંબરે ક્વિન્ટન ડિકૉક છે અને હવે 19 સેન્ચુરી સાથે ત્રીજા ક્રમે શાઇ હોપ છે.
(5) શાઇ હોપ આઇસીસીના તમામ 11 ફુલ મેમ્બર-રાષ્ટ્ર સામે આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારો વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. અફઘાનિસ્તાન, ઇંગ્લૅન્ડ, ભારત, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, આયરલૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે, પાકિસ્તાન, શ્રીલંકા સહિતના 10 દેશ સામે તેણે વન-ડે સેન્ચુરી અને ઑસ્ટ્રેલિયા સામે ટી-20 સેન્ચુરી ફટકારી છે. એ રીતે શાઇ હોપે કુલ 11 દેશ સામેની સેન્ચુરીના નવા વર્લ્ડ રેકૉર્ડ સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ પાડી દીધા છે, કારણકે બન્ને ભારતીય દિગ્ગજે 10 ફુલ મેમ્બર-રાષ્ટ્ર વિરુદ્ધ સદી ફટકારી છે. તેઓ આયરલૅન્ડ સામે સેન્ચુરી નથી ફટકારી શક્યા.
(6) શાઇ હોપ (Shai Hope)ની નેધરલૅન્ડ્સ અને નેપાળ સામે પણ વન-ડે સેન્ચુરી છે એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્રો ઉપરાંત બીજા બે નાના દેશો સહિત કુલ 13 રાષ્ટ્ર વિરુદ્ધ સેન્ચુરી ફટકારવા બદલ શાઇ હોપ કુલ 13 દેશ સામે સદી નોંધાવનાર વિશ્વનો પહેલો જ ખેલાડી બન્યો છે. એ રીતે, શાઇ હોપે માહેલા જયવર્દને અને ક્રિસ ગેઇલને પાછળ રાખી દીધા છે. માહેલા તથા ગેઇલે 12-12 દેશ વિરુદ્ધ સદી ફટકારી હતી. સચિન, કર્સ્ટન, પૉન્ટિંગ, દ્રવિડ, અમલા, શિખર અને ગપ્ટિલ સહિત કુલ નવ બૅટ્સમેનની 11-11 દેશ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સદી છે.
(7) શાઇ હોપ 10 દેશમાં સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર-બૅટ્સમૅન છે.



