શાહીન આફ્રિદીએ સૂર્યકુમારની ચોંકાવનારી ટિપ્પણી વિશે પત્રકારને કહ્યું, ` તેને બોલવા દો, ફાઇનલમાં અમે જોઈ લઈશું' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

શાહીન આફ્રિદીએ સૂર્યકુમારની ચોંકાવનારી ટિપ્પણી વિશે પત્રકારને કહ્યું, ` તેને બોલવા દો, ફાઇનલમાં અમે જોઈ લઈશું’

દુબઈઃ ભારતે એશિયા કપમાં બે વખત પાકિસ્તાનની ટીમને કચડી નાખી એમ છતાં એના ખેલાડીઓ દમ વિનાની હોશિયારી બતાવતા જ રહ્યા છે અને ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર શાહીન શાહ આફ્રિદી (Shaheen Afridi)ની પ્રતિક્રિયા એમાં લેટેસ્ટ છે, કારણકે તેણે ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવની પાકિસ્તાની ટીમને ચોંકાવી દેનારી ટિપ્પણીનો લૂલો જવાબ આપ્યો છે.

છેલ્લા થોડા વર્ષોથી ભારત (India)નું પાકિસ્તાન પર સંપૂર્ણ પ્રભુત્વ રહ્યું છે અને એશિયા કપમાં ભારતના હાથે મળેલા બે પરાજય એના છેલ્લામાં છેલ્લા પુરાવા છે. આ બધુ ધ્યાનમાં લઈને સૂર્યકુમારે બે દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં એક જર્નલિસ્ટના સવાલના જવાબમાં કહ્યું, ` તમે ભારત-પાકિસ્તાન વચ્ચેની કઈ રાઇવલરી (Rivalry)ની વાત કરી રહ્યા છો? હવે બન્ને દેશ વચ્ચે રાઇવલરી જેવું કંઈ છે જ નહીં. બે ટીમ એકમેકને લડત આપતી હોય અને એમની વચ્ચે ચડિયાતા પુરવાર થવા વિશેની જોરદાર રસાકસી થતી હોય તો ઠીક છે, પણ આ કેસમાં એવું કંઈ છે જ નહીં. ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં 15માંથી એક ટીમ આઠ અને બીજી ટીમ સાત મૅચ જીતી હોય તો 8-7ની રસાકસી કહી શકાય, પણ જ્યાં 12-3નું સમીકરણ હોય એમાં રાઇવલરી ક્યાં થઈ કહેવાય?’

આ પણ વાંચો : સૂર્યકુમારે પાયક્રૉફ્ટ સાથે હાથ મિલાવ્યા, પણ પાકિસ્તાની કૅપ્ટને પાયક્રૉફ્ટને અવગણ્યા!

સૂર્યકુમારનો આ જવાબ સાંભળીને પત્રકારો હસી પડ્યા હતા અને પછીથી સોશ્યલ મીડિયામાં પાકિસ્તાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ખેલાડીઓની ખૂબ હાંસી ઉડાવાઈ હતી.

શાહીન આફ્રિદીએ વર્તમાન એશિયા કપમાં પાકિસ્તાન વતી સઈમ અયુબની જેમ સૌથી વધુ છ વિકેટ લીધી છે. આફ્રિદીએ ભારત અને યુએઇ સામે અનુક્રમે અણનમ 33 અને અણનમ 29 રન પણ કર્યા હતા. આ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને કારણે હાલમાં આફ્રિદી પાકિસ્તાનનો મુખ્ય ખેલાડી છે અને અહીં ગુરુવારે બાંગ્લાદેશ સામે રમાનારી સુપર-ફોરની ડુ ઑર ડાય' જેવી મૅચની પૂર્વસંધ્યાએ પત્રકારો દ્વારા સૂર્યકુમારની કમેન્ટ વિશે પૂછવામાં આવતાં આફ્રિદીએ કહ્યું હતું કે તેણે જે કંઈ કહ્યું એ તેનું મંતવ્ય હતું. તેને બોલવા દો. અમે બન્ને દેશ (રવિવારની સંભવિત ફાઇનલમાં) ફરી સામસામે આવીશું ત્યારે જોઈશું ક્યા હૈ, ક્યા નહીં. તબ દેખ લેંગે. અમે એશિયા કપની ટ્રોફી જીતવા માટે જ અહીં આવ્યા છીએ અને એ માટે અમે શ્રેષ્ઠ પ્રયત્નોથી રમીશું.’

આ પણ વાંચો : સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની ટીમની ભરપૂર મજાક ઉડાવાઈ રહી છે

ભારતે પાકિસ્તાન સામે દ્વિપક્ષી શ્રેણી રમવાનું 2009ની સાલથી બંધ કર્યું છે અને પહલગામના આતંકવાદી હુમલા બાદ તેમ જ બન્ને દેશ વચ્ચે થયેલા યુદ્ધને પગલે બન્ને દેશ વચ્ચેના સંબંધો વધુ કથળી ગયા છે. દુશ્મન-દેશ પાકિસ્તાનને ભારતીય સશસ્ત્ર દળોએ ત્રણ જ દિવસમાં ખોંખરું કરી નાખ્યું એમ છતાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું પાકિસ્તાન બંધ નથી કરતું અને બીજી તરફ, આઇસીસીના બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટને લગતા ખાસ નિયમોને આધીન ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવું પડી રહ્યું છે અને રણમેદાન બાદ હવે ક્રિકેટના મેદાન પર પણ ભારતના હાથે પાકિસ્તાનની વારંવાર નાલેશી થઈ રહી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button