ભારતીય ઓપનરે હૃદયસ્પર્શી સ્ટોરીમાં કહ્યું, `પપ્પાને હાર્ટ અટૅક આવ્યો અને પછી મને ટીમમાંથી પડતી મુકાઈ’…
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની એક સમયની ટોચની ઓપનિંગ બૅટર શેફાલી વર્માનો બે મહિનાથી ખરાબ સમય ચાલી રહ્યો છે અને એની કથની તેણે એક જાણીતા અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવી છે. સતત 10 ઇનિંગ્સમાં સારું રમવામાં નિષ્ફળ ગયા પછી તેને નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાની ટૂર માટેની ટીમમાં નહોતી સમાવવામાં આવી અને હજી પણ તે વિમેન ઇન બ્લ્યૂની બહાર જ છે.
આ પણ વાંચો : એક મહિનો પિયર જવાની ચહલને પત્ની ધનશ્રીની `ધમકી’: વિડિયો વાયરલ થયો
20 વર્ષની રાઇટ-હૅન્ડ બૅટર ભારત વતી પાંચ ટેસ્ટ, 29 વન-ડે અને 85 ટી-20 રમી છે. છેલ્લે ભારત વતી તે ઑક્ટોબરમાં અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડેમાં રમી હતી. તેણે ભારત વતી કુલ 3,200થી પણ વધુ રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને સત્તર હાફ સેન્ચુરી સામેલ છે.
હરિયાણાની શેફાલીને ડ્રૉપ કરવામાં આવ્યા બાદ હરિયાણાની જ પ્રતીકા રાવલને ભારત વતી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે અને સ્મૃતિ મંધાના સાથેની જોડીમાં તે ખૂબ જ ઝળકી છે. પ્રતીકા પહેલી છ વન-ડેમાં જેવું રમી છે એવું મહિલાઓ જ નહીં, પુરુષોની ક્રિકેટમાં પણ કોઈ ખેલાડીએ ભાગ્યે જ પર્ફોર્મ કર્યું હશે. પ્રતીકાએ કારકિર્દીની પહેલી છ ઇનિંગ્સમાં 74.00ની ઉત્તમ બૅટિંગ-સરેરાશે 444 રન બનાવ્યા છે.
શેફાલીએ મુલાકાતમાં કહ્યું છે કે મને ભારતીય ટીમમાંથી પડતી મૂકવામાં આવી એ મારા માટે એકમાત્ર આંચકો નહોતો. મને ડ્રૉપ કરાઈ એના બે દિવસ પહેલાં મારા પપ્પાને હાર્ટ અટૅક આવ્યો હતો એટલે હું અને પરિવારના બધા મેમ્બર્સ તેમ જ મિત્રગણ, બધા જ ખૂબ ચિંતામાં હતા ત્યાં બે દિવસ બાદ મને ભારતીય ટીમમાંથી પડતી મૂકવાનો નિર્ણય જાહેર કરાયો હતો.
જોકે મેં સમાચાર મારા પપ્પાથી છુપાવ્યા હતા. અઠવાડિયા બાદ તેમની તબિયત સારી થઈ છેક ત્યારે મેં તેને એ બૅડ ન્યૂઝ આપ્યા હતા.’ જોકે પુત્રી શેફાલીને ટીમમાંથી પડતી મૂકાઈ હોવાની જાણ થતાં જ સંજીવ વર્માએ જરા પણ સમય નહોતો બગાડ્યો અને અને દીકરી ફરી બધુ ધ્યાન ક્રિકેટ પર આપી શકે એ માટે તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી હતી, કારણકે નાનપણથી પુત્રી શેફાલીને તેઓ જ કોચિંગ આપે છે.
શેફાલીએ ઇન્ટરવ્યૂમાં બહુ સરસ કહ્યું છે કેપુત્રી-પુત્ર વિશે પિતા બધુ જાણતા હોય છે. ક્યારેક સંતાન ભૂલી જાય છે કે પોતાનામાં કેટલી શક્તિ અને કેટલી કાબેલિયત છે, પણ પિતા ક્યારેય નથી ભૂલતા. હું નાનપણથી જે વર્કઆઉટ અને ડ્રિલ કરતી હતી એની તેમણે મને યાદ અપાવી હતી અને એને આધારે મેં પ્રૅક્ટિસ શરૂ કરી હતી.’
શેફાલીને ટીમ ઇન્ડિયામાંથી પડતી મૂકવામાં આવી એ પછી તે બે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રમી હતી જેમાં તેણે ત્રણ સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીની મદદથી કુલ 12 મૅચમાં કુલ 941 રન બનાવ્યા હતા. આ બે સ્પર્ધામાં તેનો સ્ટ્રાઇક-રેટ અનુક્રમે 152.31 અને 145.26 હતો.
આ પણ વાંચો : Australiaટીમ ઇન્ડિયામાં અસંતોષ?: ગૌતમ ગંભીરની ગાદી હાલકડોલક, ખાસ કારણો કયા છે જાણો છો?
શેફાલીએ થોડા મહિનાઓ દરમ્યાન ફિટનેસ સુધારવા ધ્યાન આપ્યું જ છે, સમજદારીથી સ્ટ્રાઇક રૉટેટ કરીને એક-બે રન દોડવામાં ઝડપ વધારવામાં પણ સુધારો કર્યો છે.