સિનિયર ખેલાડીઓ મને ડ્રિન્ક કરવાની ના પાડતા, પણ પોતે તો લેતા જ હતા : પ્રવીણકુમાર
મેરઠ: ક્રિકેટ ટીમમાં પણ ખેંચતાણ અને રાજકારણ ચાલતા જ હોય એટલે ક્યારેક બનતું હોય છે કે કોઈ ભૂતપૂર્વ ખેલાડી કરીઅર પૂરી થયા પછી ડ્રેસિંગ-રૂમમાંના અનુભવો જાહેરમાં શૅર કરી દેતા હોય છે.
જોકે અહીં આપણે જે ક્રિકેટરની વાત કરવા જઈ રહ્યા છીએ તેણે એક જાણીતા મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કેટલાક ચોંકાવનારા આક્ષેપો અને ‘અંદર કી બાત’ શૅર કર્યા છે એ જાણતાં પહેલાં ખુદ એ પ્લેયરની લાઇફમાં શું બની ગયું એ વિશે ટૂંકમાં જાણી લઈએ.
છ ટેસ્ટ, 68 વન-ડે અને 10 ટી-20 રમીને કુલ 112 વિકેટ લઈ ચૂકેલો ભારતનો ભૂતપૂર્વ પેસ બોલર પ્રવીણકુમાર 40 વર્ષનો છે. તે ભારત વતી છેલ્લે 2012માં રમ્યો હતો. એના બે વર્ષ પહેલાં તેણે દેશની રાષ્ટ્રીય સ્તરની શૂટર સપના ચૌધરી સાથે લગ્ન કર્યાં હતા. પોલીસ કૉન્સ્ટેબલના પુત્ર પ્રવીણકુમારનું ઉત્તર પ્રદેશના બર્નાવા ગામમાં ફાર્મ હાઉસ છે.
મેરઠમાં તેની માલિકીની રેસ્ટોરાં અને વેડિંગ બૅન્ક્વેટ પણ છે. થોડા વર્ષો પહેલાં પ્રવીણકુમાર ગન ખરીદવા જે દુકાનમાં ગયો અને એમાંથી બહાર આવ્યો ત્યારે એક ડૉક્ટરની કાર પાણી ભરાયેલા ખાડા પરથી ફરી વળતાં પ્રવીણના કપડાં પર કાદવ ઊડ્યો હતો અને ગુસ્સે ભરાયેલા પ્રવીણે ડૉક્ટરની મારપીટ કરી હતી.
જોકે સ્ટ્રેસ સંબંધિત બીમારીઓ પ્રવીણકુમાર (પીકે) માટે અજાણી વાત નથી. તેણે કદાચ એની અસરને કારણે તાજેતરની એક મુલાકાતમાં ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પોતાને થયેલા અનુભવની વાત કરી છે. પ્રવીણકુમારે કહ્યું, ‘હું જ્યારે ઇન્ડિયન ટીમમાં હતો ત્યારે સિનિયર ખેલાડીઓ મને કહેતા કે ડ્રિન્ક નહીં કરના, યે નહીં કરના, વો નહીં કરના. જોકે ખુદ એ જ સિનિયર પ્લેયરો ડ્રિન્કના ચાહક હતા. તેઓ કહેતા કે પીકે તો ડ્રિન્ક કરતા હૈ. લેકિન સબ પીતે હૈ.’
પ્રવીણકુમારે બીજી એક વાત કરી હતી કે તેની છાપ બગાડવા માટે ભારતીય ટીમનો એક સિનિયર ક્રિકેટર જવાબદાર હતો અને મને પીવાની આદત હોવાની ઇમેજ ઊભી કરાઈ જેનાથી મને કોચિંગના જૉબ મળતા બંધ થઈ ગયા હતા.