IPL 2024સ્પોર્ટસ

સેમીફાઈનલની રેસ બની રસપ્રદ, શ્રીલંકાને હરાવીને અફઘાનિસ્તાન સેમી ફાઈનલની રેસમાં

ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ માટેની રેસ હવે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે, કારણ કે નબળી ગણાતી અફઘાનિસ્તાનની ટીમ શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં ઉપર આવી રહી છે અને સેમિફાઇનલમાં પ્રવેશ માટે મજબુત ટીમોને ટક્કર આપી રહી છે.

આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે ત્રણ ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમોને હરાવી છે. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ અપસેટ સર્જ્યો હતો. ત્યાર બાદ અફઘાનિસ્તાનની ટીમે પાડોશી દેશ અને 1992 વર્લ્ડ કપ વિજેતાપાકિસ્તાનને હરાવીને વધુ એક અપસેટ સર્જ્યો હતો અને હવે ગઈ કાલે અફઘાન ટીમે 1996ની વર્લ્ડ કપ વિજેતા અને 2007 અને 2011 વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચનારી શ્રીલંકાને હરાવીને ત્રીજો અપસેટ સર્જ્યો હતો.

અફઘાનિસ્તાનની ટીમે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે, જેમાં તેણે 3 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. 3 જીત માટે અફઘાન ટીમ 6 પોઈન્ટ મેળવીને -0.718ની રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-5 પર આવી ગઈ છે. તેમની ઉપર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમો છે, જેમના 8-8 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાન ટીમ પાસે સેમીફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચવાની શાનદાર તક છે.

અફઘાનિસ્તાન ટીમને હજુ 3 વધુ મેચ રમવાની છે, જે અનુક્રમે નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે  છે. આ સ્થિતિમાં જો અફઘાનિસ્તાન આ ત્રણ અથવા ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતે છે, તો તેની સેમિફાઇનલમાં પ્રવેશવાની શક્યતા વધી જશે.

આ વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમે ODI વર્લ્ડ કપમાં માત્ર એક મેચમાં જ જીત હાંસલ કરી હતી, જે વર્લ્ડ કપ 2015માં સ્કોટલેન્ડ સામે હતી. અફઘાન ટીમ વર્લ્ડ કપ 2019માં એક પણ મેચ પણ જીતી શકી ન હતી, પરંતુ આ વખતે આ ટીમ સેમીફાઈનલની રેસમાં ઓસ્ટ્રેલિયાથી બરાબર પાછળ ઉભી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button