સિલેક્ટરો અવઢવમાં: વર્લ્ડ કપમાં આવેશ ખાનને લેવો કે બિશ્નોઈ-અક્ષરમાંથી કોઈ એક સ્પિનરને?
નવી દિલ્હી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ માટે આઇસીસીએ પહેલી મેની કટ-ઑફ ડેટ જાહેર કરી છે એટલે એપ્રિલના અંત સુધીમાં તમામ દેશો પોતાની 15 પ્લેયર્સની ટીમ જાહેર કરી દેશે. ભારતની ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે રિષભ પંત નક્કી જણાય છે, જ્યારે બીજા વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને સંજુ સૅમસન વચ્ચે હરીફાઈ થશે, એવું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.
નૅશનલ સિલેક્ટર્સ માટે હાર્દિક પંડ્યાની બૅટિંગની અનિશ્ર્ચિતતા ચિંતાજનક છે, કારણકે તેણે આઇપીએલની આઠ મૅચમાં સંભવિત 32માંથી માત્ર 17 ઓવર બોલિંગ કરી છે. જોકે શિવમ દુબેને તેનો વિકલ્પ મનાય છે, પરંતુ તેણે આઇપીએલમાં બોલિંગ કરી ન હોવાથી સિલેક્ટર્સ કદાચ કોઈ અજમાયશ નથી કરવા માગતા એટલે બીજો કોઈ વિકલ્પ ન રહેતાં ઑલરાઉન્ડર તરીકે હાર્દિકને પસંદ કરશે એવી સંભાવના છે.
પસંદગીકારોનો મુખ્ય મુદ્દો અત્યારે એ છે કે વધારાના પેસ બોલરને લેવો કે વધારાના બે સ્પિનરમાંથી કોઈ એકને ટીમમાં સામેલ કરવો. એક્સ્ટ્રા પેસ બોલર તરીકે આવેશ ખાનનું નામ ચર્ચાય છે. વેસ્ટ ઇન્ડિઝમાંની પિચ પર બૉલ નીચા અને સ્લો રહેતા હોવાથી એના પર રમાડવા માટે વધુ એક સ્પિનરને લેવો જોઈએ કે નહીં એ વિશે પણ સિલેક્ટર્સ વિચારી રહ્યા છે અને એ માટે રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલના નામ પર વધુ ચર્ચા થઈ રહી છે. અક્ષરે આઇપીએલની વર્તમાન સીઝનમાં નવમાંથી સાત વિકેટ ફક્ત 7.00ની આસપાસના ઇકોનોમી-રેટ સાથે લીધી છે અને તેણે 132.00ના સ્ટ્રાઇક-રેટે રન બનાવ્યા હોવાથી ઑલરાઉન્ડર તરીકે પણ તેને લઈ શકાય કે કેમ એ વિશે પસંદગીકારો વિચારી રહ્યા છે.