યશસ્વી તો ગજબનો નીકળ્યો, 11મી ટેસ્ટમાં ગાવસકરનો 53 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો…
યુવાન ઓપનરે સેહવાગ અને પુજારાને પણ ઓળંગી લીધા

કાનપુર: સામાન્ય રીતે કોઈ પણ બે ક્રિકેટરના પર્ફોર્મન્સ વચ્ચે સરખામણી કરવી ઠીક ન કહેવાય, કારણકે બન્નેના સમયકાળ જુદા હોય તેમ જ તેમના હરીફ અને રમવાના સ્થળ તથા પરિસ્થિતિ પણ ભિન્ન હોય. જોકે બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલે માત્ર સવા વર્ષની ટેસ્ટ કરીઅરમાં ફક્ત 11 ટેસ્ટ રમીને જે કમાલ કરી દેખાડી છે એ અજોડ છે. તેણે મહાન બૅટર સુનીલ ગાવસકરનો 53 વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો છે તેમ જ વીરેન્દર સેહવાગ અને ચેતેશ્ર્વર પુજારાને પણ એક રીતે ઓળંગી લીધા છે.
આ પણ વાંચો :સૌથી ઓછા બૉલ રમીને મેળવેલા વિજય: ભારતનો બીજા નંબરનો શ્રેષ્ઠ દેખાવ…
યશસ્વીએ મંગળવારે કાનપુરમાં પૂરી થયેલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં ઝડપી હાફ સેન્ચુરી (51 બૉલમાં 72 અને 45 બૉલમાં 51 રન) ફટકારી હતી. તેણે પહેલા ફિફ્ટી 31 બૉલમાં અને બીજા ફિફ્ટી 43 બૉલમાં પૂરા કર્યા હતા.
23 વર્ષની ઉંમર પહેલાં એક કૅલેન્ડર યર (1971)માં ભારતીયોમાં સૌથી વધુ (918) રન ગાવસકરના નામે હતા, પણ હવે યશસ્વી 929 રનના આંકડા સાથે તેમનાથી આગળ થઈ ગયો છે.
ભારતમાં ટેસ્ટમાં એક વર્ષમાં સૌથી વધુ (સાત) ફિફ્ટી-પ્લસ સ્કોર્સ અત્યાર સુધી ગાવસકર ઉપરાંત સેહવાગ, પુજારા, ચેતન ચૌહાણ, વેન્ગસરકર, વિશ્ર્વનાથ અને કે. એલ. રાહુલના નામે હતા, પરંતુ હવે યશસ્વીએ આઠમા ફિફ્ટી-પ્લસ સાથે તમામને ઓળંગી લીધા છે.