જુઓ, ભારતના જુનિયર ક્રિકેટર્સે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની કેવી હાલત કરી!
બૅટિંગમાં રુદ્ર પટેલ અને બોલિંગમાં હાર્દિક રાજ ચમક્યો

પુડુચેરી: ભારતની અન્ડર-19 ટીમે અહીં ગુરુવારે મોહમ્મદ અમ્માનના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમને સતત ત્રીજી વન-ડેમાં પણ હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ગુજરાતનો રુદ્ર પટેલ (77 રન, 81 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપનો સર્વશ્રેષ્ઠ બૅટર બન્યો હતો. બોલિંગમાં હાર્દિક રાજે પંચાવન રનમાં ત્રણ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયન ટીમને વિજયથી વંચિત રાખી હતી.
ભારતીય ટીમે પહેલી બે વન-ડેમાં અનુક્રમે સાત વિકેટે અને નવ વિકેટે જીત મેળવી હતી. 3-0થી શ્રેણી જીતીને ભારતે ફેબ્રુઆરી, 2024ના વર્લ્ડ કપની ફાઇનલમાં થયેલી હારનો ઑસ્ટ્રેલિયા સામે બદલો લઈ લીધો છે.
ગુરુવારે ભારતીય ટીમે રુદ્ર પટેલના 77 રન ઉપરાંત કૅપ્ટન અમ્માનના 71 રનની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 324 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ટીમ કૅપ્ટન ઑલિવર પીક (111 રન) અને સ્ટીવન હૉગન (104 રન)ની સદી છતાં 50 ઓવરમાં સાત વિકેટે 317 રન બનાવી શકી હતી અને ભારતનો સાત રનના નજીવા તફાવત સાથે રોમાંચક વિજય થયો હતો. ભારતના યુધજીત ગુહા અને કિરણ કોર્માલેએ બે-બે વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયા હાર્યું, પરંતુ ઑલિવરને લડાયક ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.