સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીએ શું કર્યું તે જોશો તો…

ન્યુયોર્કઃ ઓસ્ટ્રેલિયાની ટીમની ગણતરી ક્રિકેટ જગતમાં ટોચની ટીમોમાં થાય છે અને ઓસ્ટ્રેલિયાએ ઘણી વખત 50 ઓવર વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો છે. જોકે હાલમાં અમેરિકામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાયો અને ઓસ્ટ્રેલિયાની સામે સરખામણીએ નબળી ગણાતી અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને મેચમાં હરાવી દીધી. જોકે, આ ઐતિહાસિક જીતનો અફઘાનિસ્તાનમાં અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ દ્વારા જે રીતે જશ્ન મનાવવામાં આવ્યો તે પણ ઐતિહાસિક જશ્નથી કંઇ ઓછો ન કહેવાય. જાણે વર્લ્ડ કપ જીતી લીધો હોય તેટલી ખુશી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને અફઘાનિસ્તાનના નાગરિકોમાં જોવા મળી હતી.

વર્લ્ડ કપમાં સુપર-8ની મેચ ચાલી રહી છે અને તેમાં બોલર ગુલબદિન નાયબની ચાર વિકેટના દેખાવના આધારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવી દીધુ બાદ આખા અફઘાનિસ્તાનમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો રસ્તા પર ઉતરીને બાઇક ઉપર અફઘાનિસ્તાનના ઝંડા લઇને તેમ જ આતશબાજી-ફટાકડા ફોડીને પોતાની ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

અફઘાનિસ્તાનમાં મનાવવામાં આવેલા જશ્નના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં લોકો ખુશીથી નાચતા અને અફઘાનિસ્તાન ઝીંદાબાદના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Australia vs Afghanistan Highlights: અફઘાનિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય

આ સિવાય ડ્રેસિંગ રૂમમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓએ જે રીતે નાચીને અને ઝૂમીને પોતાની જીતની ઉજવણી કરી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. રાશીદ ખાન અને ગુરબાઝ સહિતના ખેલાડીઓ ડાન્સ કરતા અને એકબીજાને અભિનંદન પાઠવતા દેખાય છે. ત્યારબાદ તેમની બસમાં પણ ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી તેમ જ ડીજે બ્રાવો તરીકે ઓળખાતા ડ્વાઇન બ્રાવોના જાણીતા ગીત ચેમ્પિયન પર ઝૂમતા એક વીડિયોમાં દેખાયા હતા.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે અફઘાનિસ્તાનની જોરદાર બોલિંગે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરાસ્ત કર્યા હતા. પેટ કમિન્સે આ મેચમાં લીધેલી હેટ-ટ્રીક પણ ઓસ્ટ્રેલિયાને જીત અપાવવા માટે પૂરતી રહી નહોતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનના સ્કોર પર 19.2 ઓવરમાં ઓલ-આઉટ થઇ ગઇ હતી અને અફઘાનિસ્તાને ઐતિહાસિક જીત નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button