બુધવારે બીજી વન-ડેઃ વૉશિંગ્ટનના સ્થાને નીતીશ રમશે કે બદોની કરીઅર શરૂ કરશે?

રાજકોટઃ અહીં બુધવારે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડે (બપોરે 1.30 વાગ્યાથી) રમાશે જે જીતીને ભારતીયો બુધવારે જ સિરીઝ પર કબજો કરી લેવા કોઈ કસર બાકી નહીં રાખે.
બે દિવસ પહેલાં વડોદરામાં ભારતે પ્રથમ વન-ડે ચાર વિકેટે જીતી લીધી હતી. બીજી વન-ડે પહેલાં જ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (Sundar) ઈજા પામતાં તેના સ્થાને આયુષ બદોની (Badoni)ને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને પંદર ખેલાડીઓમાં સામેલ કરાયો છે અને તેણે પણ મંગળવારે ખૂબ બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી.
બુધવારે વૉશિંગ્ટનના સ્થાને ઑલરાઉન્ડર નીતીશકુમાર રેડ્ડી (Reddy) રમશે કે આયુષ બદોની એ આજે મૅચ પહેલાં નક્કી થશે. 26 વર્ષનો મૂળ દિલ્હીનો બદોની હજી સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મૅચ નથી રમ્યો. આઇપીએલમાં તે લખનઊ વતી રમ્યો છે.
ભારત અને ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં અનુક્રમે વિરાટ કોહલી અને ડેરિલ મિચલ સૌથી સારા ફૉર્મમાં છે. રવિવારે તેણે પ્રથમ વન-ડેમાં 84 રન કર્યા હતા. જોકે વિરાટના 93 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકો, 15 કિલોનો ડબ્બો રૂ. 2750એ પહોંચ્યો



