ઋષભ પંત માટે હવે સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન, સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ…

કોલકત્તાઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારતના વિજય માટે એક કરતા અનેક ખેલાડીઓનું યોગદાન રહ્યું હતું, જેમાં ગંભીર ઈજામાંથી સાજા થયેલા ઋષભ પંતે પણ અસાધારણ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો :શ્રીલંકા આજે વ્હાઈટવૉશ થતો રોકી શકે, જાણો કેવી રીતે…
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ખેલાડી બનવા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ તેણે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં પોતાનું પ્રદર્શન સુધારવાની જરૂર છે.
ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ પંતને રવિવારે પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. પંતે આ વર્ષની શરૂઆતમાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં વાપસી કરી હતી જેમાં તેનું પ્રદર્શન સારુ રહ્યું હતું.
આ પણ વાંચો : ટેસ્ટ ટીમ જાહેર: કોણે કર્યું કમબૅક અને કોને મળ્યો મોકો?
અહીં એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન ગાંગુલીએ કહ્યું હતું કે “હું ઋષભ પંતને ભારતના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંનો એક માનું છું,”. ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસીથી મને આશ્ચર્ય નથી થયું. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
તેમણે કહ્યું હતું કે , “જો તે આવું જ પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તેને ટેસ્ટ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવશે.” મારું માનવું છે કે તેણે ટૂંકા ફોર્મેટમાં વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. તે પ્રતિભાશાળી છે અને મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં આવું કરવામાં સફળ થશે.”
પગના ઓપરેશનને કારણે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ ગાંગુલીને વિશ્વાસ છે કે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. ગાંગુલીએ કહ્યું હતું કે “હું ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની રાહ જોઈ રહ્યો છું. ટીમની ખરી કસોટી ત્યાં જ થશે.
આ પછી ટીમને જૂલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે અને આ બંને પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની હાજરી અને શમીની વાપસી ભારતીય ઝડપી બોલિંગ આક્રમણને મજબૂત બનાવશે. બાંગ્લાદેશે તાજેતરમાં જ પાકિસ્તાનને તેની ધરતી પર હરાવ્યું હતું પરંતુ ગાંગુલીનું માનવું છે કે ભારતને હરાવવું ઘણું મુશ્કેલ હશે.