સૌરવ ગાંગુલીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી, જાણો કોની સામે અને શા માટે…
નવી દિલ્હી: ભારતના ક્રિકેટ-લેજન્ડ અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પોતાની માનહાનિ કરવા બદલ તેમ જ પોતાની વિરુદ્ધ અપસભ્ય ભાષાનો પ્રયોગ કરવા બદલ એક યુટ્યૂબર વિરુદ્ધ ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પરના પોતાના એક વીડિયોમાં આ યુટ્યૂબરે ગાંગુલીને ઉતારી પાડતી ભાષા વાપરી હતી તેમ જ તેની વિરુદ્ધ અભદ્ર તથા બદનામ કરતી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
તાજેતરમાં કોલકાતામાં મહિલા ડૉક્ટર પરના બળાત્કાર તથા હત્યાના બનાવ સંબંધમાં ગાંગુલીએ જે નિવેદનો કર્યા હતા એને તેમ જ તેની તસવીરો તથા વીડિયોને મૃણમોય દાસ નામના આ યુટ્યૂબરે કથિત રીતે ઉપયોગમાં લીધા હતા.
દાસે ‘દાદા’ વિશે અભદ્ર ભાષા વાપરી હતી તેમ જ વીડિયોમાં જણાવ્યું હતું કે સૌરવ ગાંગુલી જીવંત છે ત્યાં સુધીમાં તેના પર એક બાયોપિક બનવી જોઈએ.
જોકે ગાંગુલીની સેક્રેટરી તાનિયા ભટ્ટાચાર્યએ કોલકાતા પોલીસના સાયબર ક્રાઇમ વિભાગમાં દાસ વિરુદ્ધ ઑનલાઇન ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તાનિયાએ જણાવ્યું છે કે ‘સૌરવ ગાંગુલી વિરુદ્ધ જે અભદ્ર ભાષા વાપરવામાં આવી છે અને તેમને બદનામ કરતી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ સૌરવની પ્રતિષ્ઠાને લાંછન લગાડનારી છે.’
કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો જે બનાવ બન્યો એના થોડા દિવસ બાદ ગાંગુલીએ એક ટૉક-શોમાં પ્રવચન દરમ્યાન એવું કહ્યું હતું કે ‘આવી ઘટના તો દુનિયામાં ક્યાંય પણ બને. આ ઘટના હૉસ્પિટલમાં બની છે. જોકે આવું ક્યાંય ન બને એ માટે બધે પૂર્વસાવચેતીના પગલાં તો ભરાવા જ જોઈએ.’ જોકે ગાંગુલીએ પછીથી કહ્યું હતું કે તેના વિધાનોને ખોટી રીતે રજૂ કરાયા છે. પછીથી સૌરવે મહિલાની હત્યા સામેના વિરોધમાં જે આંદોલન થયું હતું એમાં પત્ની ડોના અને પુત્રી સના સાથે જોડાયો હતો અને ભોગ બનેલી મહિલા ડૉક્ટર માટે ન્યાયની માગણી કરી હતી.