સ્પોર્ટસ

રણજી મૅચમાં સૌરાષ્ટ્રની 20માંથી 14 વિકેટ મહારાષ્ટ્રના સ્પિનર વાળુંજે લીધી

સોલાપુર: મહારાષ્ટ્રનો 30 વર્ષનો લેફ્ટ-આર્મ સ્પિનર હિતેશ વાળુંજ શનિવાર પહેલાં ફક્ત ચાર ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો હતો અને એમાં તેણે કુલ 13 વિકેટ લીધી હતી, પરંતુ સોલાપુરમાં સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચમાં તો તેણે અદ્ભુત પર્ફોર્મ કર્યું છે. તેણે ચાર દિવસીય મૅચના પ્રથમ દાવમાં શુક્રવારે 93 રનમાં છ વિકેટ લીધી હતી અને શનિવારે 70 રનમાં આઠ વિકેટ લીધી હતી. એ સાથે, આખી મૅચમાં તેણે 14 વિકેટ લઈને મહારાષ્ટ્રને વિજયની દિશામાં મોકલી દીધું હતું. જોકે 208 રનના લક્ષ્યાંક સામે કેદાર જાધવના સુકાનમાં મહારાષ્ટ્રની ટીમ 104 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠી હતી. સૌરાષ્ટ્રના યુવરાજ સિંહ ડોડિયા અને પાર્થ ભુતે બે-બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, સૌરાષ્ટ્રનો બીજો દાવ 164 રનમાં સમેટાઈ ગયો હતો. ચેતેશ્ર્વર પૂજારા પ્રથમ દાવના ત્રણ રન બાદ બીજા દાવમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. બન્ને ઇનિંગ્સમાં વાળુંજે પૂજારાને આઉટ કર્યો હતો. બીજા દાવમાં કૅપ્ટન જયદેવ ઉનડકટના 45 રન હાઇએસ્ટ હતા. પહેલી ઇનિંગ્સમાં સૌરાષ્ટ્રના 202 રન સામે મહારાષ્ટ્રએ 159 રન બનાવ્યા હતા.

કોલકતામાં બેન્ગાલ સામે મુંબઈએ પ્રથમ દાવમાં 412 રન બનાવ્યા ત્યાર બાદ બેન્ગાલની ટીમ અનુષ્તુપ મજુમદારના અણનમ 108 રન બાદ 199 રને ઑલઆઉટ થઈ જતાં મુંબઈએ 213 રનની લીડ લીધી હતી.

અમદાવાદમાં ત્રિપુરાના 146 રન બાદ ગુજરાતની ટીમ 172 રનમાં ઑલઆઉટ થઈ હતી. જોકે ગુજરાતે 26 રનની સરસાઈ લીધા પછી ત્રિપુરાએ વળતા જવાબમાં 9 વિકેટે 330 રન બનાવ્યા હતા. દિલ્હી સામે પ્રથમ દાવમાં બરોડાના બીજા દિવસે પાંચ વિકેટે 400 રન હતા જેમાં ઓપનર જ્યોત્સનીલ સિંહના નૉટઆઉટ 215 રન સામેલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button