ક્રિકેટરો પાસેથી દારૂની બોટલ મળવા મુદ્દે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એસસીએ) સોમવારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે તેના અંડર-23 ક્રિકેટરો પાસેથી દારૂની બોટલ મળી આવ્યા બાદ શિસ્તભંગની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
એસસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરીએ સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે સૌરાષ્ટ્રની જીત બાદ આ ઘટના બની હતી. પ્લેનના જે કાર્ગો એરિયામાં ક્રિકેટરો જવાના હતા ત્યાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં અધિકારીઓએ ચંદીગઢ એરપોર્ટ પરથી દારૂ જપ્ત કર્યો હતો.
એક નિવેદનમાં એસસીએ જણાવ્યું હતું કે ચંડીગઢમાં એક કથિત ઘટના બની છે જેના પ્રત્યે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની એથિક્સ-ડિસિપ્લિનરી કમિટી અને એપેક્સ કાઉન્સિલ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે અને યોગ્ય શિસ્તભંગના પગલાં લેશે. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.