રાત કો વક્ત દો ગુઝરને કે લિયે, સૂરજ અપની હી સમય પે નિકલેગા…આવું કયા ક્રિકેટરના પિતાએ કેમ કહ્યું?

રાજકોટ: બે સગા ભાઈઓ ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમના પિતા ગર્વનો અનુભવ તો કરે જ, તેમની કરીઅર સંબંધમાં અગાઉ પોતે જે ખોટા ખ્યાલમાં હોય એનો પસ્તાવો પણ તેમને થયા વિના રહે નહીં.
રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટથી ટેસ્ટ-કરીઅર શરૂ કરનાર મુંબઈના બૅટર સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાન પોતાને ગૌરવશાળી માને છે તેમ જ પોતાના બન્ને દીકરા ભારત વતી ઝળકી રહ્યા છે એ બદલ બેહદ ગર્વનો અહેસાસ પણ કરે છે.
26 વર્ષનો સરફરાઝ ખાન ગુરુવારે ટેસ્ટના પ્રથમ દિવસે 66 બૉલમાં એક સિક્સર અને નવ ફોરની મદદથી આક્રમક 62 રન બનાવીને રવીન્દ્ર જાડેજા સાથેની ગેરસમજને લીધે રનઆઉટ થઈ ગયો હતો. જોકે તેણે પહેલી જ ઇન્ટરનૅશનલ ઇનિંગ્સથી હરીફ દેશોને ચેતવી દીધા છે. તેનો નાનો ભાઈ મુશીર ખાન ઑલરાઉન્ડર છે અને તેણે તાજેતરમાં અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 397 રન ભારતીય કૅપ્ટન ઉદય સહારનના હતા તો મુશીર ખાન 360 રન સાથે બીજા નંબરે હતો. મુશીરે સાત વિકેટ પણ લીધી હતી.
નૌશાદ ખાન તેમના બન્ને પુત્રો સરફરાઝ-મુશીરના કોચ તેમ જ મેન્ટર છે. બન્નેને ક્રિકેટના પાઠ શીખવવાની સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉપલા સ્તર સુધી પહોંચાડવામાં તેમનું સૌથી મોટું યોગદાન છે.
જોકે નૌશાદ ખાનને અગાઉ અફસોસ એ વાતનો હતો કે તેનો મોટો પુત્ર સરફરાઝ એક પછી એક રણજી સીઝનમાં અસાધારણ પર્ફોર્મ કરી રહ્યો હોવા છતાં અને અઢળક રન કરતો હોવા છતાં કેમ તેને ભારતીય ટીમમાં સ્થાન નથી અપાતું. આવું વિચારીને તેમણે આશા છોડી દીધી હતી, પરંતુ ગુરુવારે સરફરાઝને ટેસ્ટ કૅપ મળી ત્યારે નૌશાદ ખાન ભાવુક થઈ ગયા હતા અને આસું રોકી નહોતા શક્યા. તેમણે પ્રથમ દિવસની રમત પછી એક જાણીતી વેબસાઇટને કહ્યું, ‘સરફરાઝના કિસ્સા પરથી સાબિત થાય છે કે દરેક અંધકારમાં છેવટે આશાનું કિરણ તો હોય છે જ. રાત કો વક્ત દો ગુઝરને કે લિયે, સૂરજ અપની હી સમય પે નિકલેગા. અગાઉ હું સરફરાઝ માટે તનતોડ મહેનત કરતો ત્યારે મને થતું કે મારું સપનું કેમ સાકાર નથી થતું. કેમ વાસ્તવિકતા નથી બનતું. જોકે હવે સરફરાઝના હાથમાં ટેસ્ટ કૅપ જોઈને અથાક પરિશ્રમ કરતા તમામ બાળકો માટેની મારી વિચારસરણી પણ બદલાઈ ગઈ છે.’
નૌશાદ ખાને પુત્ર સરફરાઝને સલાહ આપી છે કે ‘તું તનતોડ મહેનત કરજે, આત્મવિશ્ર્વાસ રાખજે અને સિલેક્ટરો તને સતત અવગણતા હોય ત્યારે પણ ધીરજ રાખજે. ક્યારેય આશા નહીં છોડતો.’